દેશભરમાં જ્યારે દિવાળીની ઉજવણી થઈ રહી હતી, ત્યારે ભાવનગરમાં ચકચારી મચાવી દેનારી ઘટનાઓ સામે આવી છે. ભાવનગરમાં દિવાળીના દિવસે એક-બે નહીં પરંતુ ત્રણ હત્યાના બનાવ સામે આવ્યા છે. ત્રણેય હત્યામાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે બબાલ થઈ હતી, જેનું પરિણામ આવું લોહીયાળ આવ્યું. ભાવનગરમાં અલગ-અલગ વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતમાં ઝઘડો થયો હતો. જેમાં એક યુવાન અને બે આધેડ વયની વ્યક્તિની હત્યા કરવામાં આવી છે.

ભાવનગર જિલ્લાના હાથબ ગામે 45 વર્ષીય આધેડે દિવાળીની રાત્રે ફટાકડાં ફોડતા વખતે ગાળો બોલવાની ના પાડતા ઝઘડો થયો હતો. જેમાં ગુસ્સે ભરાયેલા લોકોએ આધેડને છરીના ઘા મારી હત્યા કરી દીધી હતી. સમગ્ર મામલે ઘોઘો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમમાં મોકલી છે. પોલીસ હાલ સમગ્ર મુદ્દે તપાસ કરી આરોપીઓને શોધી રહી છે.

ફટાકડા ફોડવાની ના પાડતા કરાઈ હત્યા
બીજી બાજું ભાવનગરના યોગીનગરમાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઘોઘારોડ યોગીનગર પાસે આવેલા સોમનાથી રેસિડેન્સીમાં ફટાકડા ફોડવાની ના પાડતા છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. ફટાકડા ફોડવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખસોએ વ્યક્તિની હત્યા કરી દીધી હતી. આ મામલે પણ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલી ગુનો નોંધી સમગ્ર તપાસ હાથ ધરી છે. આરોપીઓની શોધખોળ કરી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.
દિવાળીની રાત્રે કરાઈ હત્યા
આ સિવાય શહેરના ખારગેઇટ પાસે આવેલા ગજ્જર ચોકમાં યુવાનને છરીના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. ફટાકડા ફોડતી વખતે બોલાચાલી થતા યુવાનને છરીના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. ગંગાજળીયા પોલીસ દ્વારા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ હાલ આરોપીઓને શોધી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, ફટાકડા ફોડતી વખતે થયેલી બોલાચાલી પ્રેમ પ્રકરણના કારણે થઈ હોવાનું કહેવામાં આવે છે.
