Site icon Meraweb

જામનગર મહાનગર પાલિકા દ્વારા જામનગરથી વધુ એક હજાર ઢોર કચ્છની પાંજરા પોળમાં મોકલાશે

More than one thousand cattle will be sent from Jamnagar to Panjra Pol in Kutch by Jamnagar Metropolitan Municipality.

જામનગર તા. ર૦, જામનગરમાં રસ્તે રઝળતા પકડાયેલ ઢોરને કચ્છના પાંજરાપોળમાં મોકલવામાં આવે છે. આગામી સમયમાં વધુ ૧૦૦૦ ઢોર મોકલવામાં આવનાર છે. આ માટે કમિશનરની વિનંતી નો પાંજરાપોળ સંચાલકો એ સ્વીકાર કર્યો છે.

જામનગરમાંથી પકડવામાં આવતા ઢોરને શ્રી કચ્છી ભાનુશાળી ઓધવરામ સત્સંગ મંડળ-મુંબઈ દ્વારા સંચાલિત કચ્છની વાલરામ પાંજરાપોળમાં મોકલવામાં આવે છે. આ સંસ્થાના સંચાલક મનજીબાપુ તથા જામનગરના કચ્છી ભાનુશાળી સમાજ ના આગેવાનો સાથે પરામર્શ પછી જે-તે સમયે ર૦૦૦ ઢોર કચ્છમાં મોકલાવા મંજુર કરાયું હતું. જે અન્વયે અત્યાર સુધીમાં ૧૭પ૯ ગાય-ખુંટિયાને કચ્છ મોકલાયા છે.

પાંજપરાપોળના સંચાલક મનજીબાપુ અને તેના સહયોગીઓ જામનગર આવ્યા છે. તેઓએ મહાનગર પાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓ મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા, શાસક જુથના નેતા આશિષ જોષી અને દંડક કેતન નાખવા, પૂર્વ ચેરમેન મનિષ કટારિયા, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, ઈન્ચાર્જ નાયબ કમિશનર ભાવેશ જાની દ્વારા આ કાર્ય માટે સ્ટેન્ડીંગ કમિટી હોલમાં તેઓનું સન્માન કરાયું હતું. સંસ્થાના સંચાલક મનજીબાપુ દ્વારા જામ્યુકો ના પદાધિકારીઓ નું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું.

સંસ્થાના સંચાલક દ્વારા કચ્છની પાંજરાપોળની પ્રવૃત્તિ અને જાળવણી અંગે વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી. આ પ્રસંગે મહાનગર પાલિકા વતી કમિશનર દ્વારા સંસ્થાને વધુ ૧૦૦૦ ઢોર સંભાળવા વિનંતી કરવામાં આવતા તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં ૧૦૦૦ ઢોર કચ્છની પાંજરાપોળમાં મોકલવામાં આવશે.