Site icon Meraweb

મેઘરાજા મહેરબાન! ગુજરાતના અનેક જીલ્લાઓમાં ધોધમાર વરસાદ

Megharaja, please! Heavy rains in many districts of Gujarat

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ માહોલમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં જાણે મેઘો મહેરબાન થયો છે. તેમજ વરસાદની રાહ જોઇને બેઠેલા અમદાવાદીઓમાં રાહતની લાગણી જોવા મળી છે. કારણ કે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. એસ.જી હાઇવે, વસ્ત્રાપુર અને શિવરંજની સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે, આ ઉપરાંત સેટેલાઇટ, જોધપુર અને બોડકદેવમાં પણ વરસાદ થયો.

આણંદ જિલ્લામાં લગભગ બધે વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ 11 ઈંચ વરસાદ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં થયો છે. તેના કારણે બોરસદના વનતળાવ વિસ્તારમાં 100 જેટલા પરિવારનાં મકાનોમાં પાણી આવી ગયું હતું. આ સાથે જ ભારે વરસાદને કારણે એક યુવક અને ચાર પશુનું તણાવવાને લઇ મૃત્યુ થયું છે. જેની ફાયરની ટીમે વ્યક્તિના મૃતદેહને શોધવા કાર્યવાહી હાથધરી છે. બોરસદ સાથે ભાદરણ હાઈવેમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. સાથે ભાદરણમાં તળપદા વાસમાં પાણી ફરી વળ્યું છે. આ ઉપરાંત આણંદના પેટલાદ, સોજીત્રા, તારાપુર અને ખંભાતમાં સારો વરસાદ થયો છે. 

ગઇકાલથી સુરતમાં મેઘરાજાનું આગમન થઇ ગયું હતું.  અને આજે પણ સુરતમાં સારો વરસાદ વરસી રહ્યો છે.  સારા વરસાદનાં લીધે શહેરમાં પાણી ભરાયા આ ઉપરાંત  સરથાણા ચાર રસ્તા પાસે પાણી ભરાતા વાહનચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. નવસારીમાં મેઘો ધોધમાર વરસ્યો.  નવસારી શહેરમાં 1 ઇંચ વરસાદ થતા વાતાવરણમાં ઠંડકની લહેર ફરી વળી.  નવસારી જિલ્લામાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો હરખાયા.  ચીખલી, જલાલપોર તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ થયો. આ તરફ નવસારી શહેરમાં પણ ધીમીધારે વરસાદ વરસતા  શહેરીજનોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ગાજવીજ સાથે મેઘમહેર થઇ હતી અને ભાટિયા ગામમાં અડધો ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા હતા.  બજારોમાં પણ જળબંબોળની સ્થિતિજોવા મળી હતી.