મણિપુરમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે, શુક્રવારે એક વિશેષ અદાલતે પાંચ આરોપીઓને જામીન આપ્યા હતા જેમની પોલીસે હથિયારો સાથે ધરપકડ કરી હતી. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે પાંચેય લોકોએ પોલીસ તપાસમાં સહકાર આપવો પડશે. જ્યારે પણ જરૂર પડશે, તેઓ તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થશે અને સાક્ષીઓને કોઈપણ રીતે પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે નહીં.
કોર્ટે કહ્યું છે કે તેઓ પૂર્વ સૂચના વિના રાજ્યની બહાર નહીં જાય. પોલીસે સુનાવણી દરમિયાન આરોપીના રિમાન્ડ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોર્ટે આ વાતનો ઇનકાર કરતા કહ્યું હતું કે તેમની ધરપકડ પહેલા કોઈપણ આરોપીએ કોઈ નુકસાનકારક પગલું ભર્યું નથી.

સુનાવણી દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ કર્ફ્યુનો ભંગ કરીને કોર્ટ પરિસરની સામે બેસી ગઈ હતી. પાંચેયની મુક્તિની માંગ કરી રહેલા દેખાવકારો અને સુરક્ષા દળો વચ્ચે ગુરુવારે અનેક જગ્યાએ ઘર્ષણ થયું હતું. પરિસ્થિતિ વણસતી જોઈને કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
મણિપુર સરકારે લોકોને 15 દિવસની અંદર ગેરકાયદેસર હથિયારો સરેન્ડર કરવા જણાવ્યું હતું
મણિપુર સરકારે લોકોને 15 દિવસની અંદર ગેરકાયદેસર હથિયારો સરેન્ડર કરવા કહ્યું છે. મુખ્ય પ્રધાનના કાર્યાલયે શુક્રવારે જણાવ્યું હતું કે મણિપુર સરકારે રાજ્યના લોકોને 15 દિવસની અંદર ગેરકાયદેસર હથિયારો સમર્પણ કરવા અથવા સુરક્ષા દળો દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન અને કડક કાર્યવાહીનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે.





















