સ્થાનિક ધારાસભ્ય હેમંત ખવા આકરા પાણીએ: બિસ્માર રોડ રસ્તા મુદ્દે આવતીકાલે શુક્રવારે લાલપુર એસડીએમ કચેરીને તાળું મારી દેશે આંદોલનકારીઓ

Local MLA Hemant Khawa Akra Pani: Agitators will lock Lalpur SDM office tomorrow Friday over Bismar road road issue

ગાંધીનગરમાં જામજોધપુર-લાલપુર પંથકની અવગણના કરવામાં આવે છે !!

જામનગર તા. 21
જામનગર જિલ્લાની જામજોધપુર-લાલપુર વિધાનસભા બેઠક હેઠળના સંખ્યાબંધ વિસ્તારોમાં એટલે કે, આ બન્ને તાલુકાઓમાં લગભગ સાડા ત્રણ ડઝન જેટલા રોડ-રસ્તાંઓ લાંબા સમયથી બિસ્માર છે. અને આ અંગે ખુદ ધારાસભ્યએ મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆતો કરી હોવા છતાં સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવતુ ન હોય આવતીકાલે 22 મી સપ્ટેમ્બરે લાલપુરની એસડીએમ કચેરીને તાળાબંધી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ એક અખબારી યાદી દ્વારા જણાવાયું છે કે, જામજોધપુર અને લાલપુર તાલુકાના 44 રોડ-રસ્તાઓ એવા છે. જે પાછલા સાતથી દશ વર્ષ દરમ્યાન રિસરફેસ થયા નથી.

આ ઉપરાંત આ પંથકની સ્ટ્રકચરની 25 દરખાસ્તો સરકારમાં પેન્ડીંગ હોવા છતાં સરકાર દ્વારા કોઇ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી. આથી આવતીકાલે લાલપુર એસ.ડી.એમ. કચેરીને તાળાબંધી કરવામાં આવશે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, સરકારે રાજયના 70 જેટલા ધારાસભ્યોને પોતાના મત વિસ્તારોમાં રૂા. પાંચ કરોડના રોડના કામો કરાવવા અંગે સુચનો મંગાવ્યા છે. તેમાં પણ જામજોધપુર- લાલપુર વિધાનસભા વિસ્તારની અવગણના કરવામાં આવી છે. ધારાસભ્યએ બે વખત મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરી છે. આ ઉપરાંત એક વખત તાલુકાના આગેવાનોને સાથે રાખીને મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા કોઇ યોગ્ય પ્રતિભાવ આપવામાં ન આવતાં નાછૂટકે તાળાબંધીનો આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે.