સુરત તક્ષશિલા કાંડ હોય કે પછી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જે તમામ પરિવારોએ પોતાના નાના ભૂલકા અગ્નિમાં હોમ્યા છે તેની આગ હજુ સુધી તે માતા પિતાના દજાડેલા દિલને રૂજાવા નથી દેતી. પરંતુ કમનસીબીની વાત એ છે કે ફાયર સેફટી અને એનઓસી અને મિલકતોના પ્રમાણપત્રો અંગે હજુ પણ કોઈ ગંભીરતા દાખવવામાં આવતી નથી. પ્રમાણપત્રો એટલે કે લાયસન્સ એ માત્ર કાગજી દસ્તાવેજ બની રહી ગયા છે. એવી જ રીતે દિવાળીના તહેવારો હવે સાવ નજીક આવી ગયા છે ત્યારે ફટાકડા સંગ્રહ અને વેચાણની બાબતમાં પણ આજની તારીખે સમગ્ર સૌરાષ્ટ્રમાં લાલિયાવાડીયો ચાલી રહી છે. દિવાળીના તહેવારો નજીક છે એટલે તમામ માતા પિતાઓ પોતાના બાળકોને લઈ અને ફટાકડાની ખરીદી કરવા માટે બજારમાં લઈ જાય છે પરંતુ ફટાકડાના વેચાણના લાયસન્સ થયા વગર જે બેફામ રીતે ચાલતા જે ફટાકડાના વિક્રેતાઓ છે તેમને એક સવાલ થાય કે જો કુદરત ન કરે પરંતુ જો કોઈ દુર્ઘટના સર્જાય અને વિકરાળ આગ ફાટી નીકળે તો પછી કોણ જવાબદાર રહેશે ? કોઈપણ દુર્ઘટના સર્જાય ત્યારબાદ જ તે દુર્ઘટના પાછળના કારણો સામે આવતા હોય છે જેમ કે જો ફટાકડાના સ્ટોલમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો આ ફટાકડા બજાર પાસે તો ફટાકડા વેચવાનો પરવાનો જ ન હતો !!! આવી સ્થિતિમાં કોણ જવાબદાર હશે ?
આવી જ કાઇક જામનગર નજીકના વિભાપરમાં આવી લાલિયાવાડી ચાલી રહી હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વિભાપરમાં લેઉવા પટેલ સેવા સમાજની વિશાળ જગ્યામાં કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત સરસ્વતી શિશુમંદિર દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી મોટી ફટાકડાબજાર ગોઠવવામાં આવી છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ આ સ્થળે આશરે રૂ. 4-5 કરોડના ફટાકડાનો વિશાળ જથ્થો વેચાણ માટે ડિસ્પ્લેમાં ગોઠવાયો છે. ખૂબ સારી બાબત છે કે ગૌસેવા અને શિક્ષણના લાભાર્થે, આ પ્રકારના વિશાળ આયોજન થતાં હોય અને ગૌશાળા તથા શાળાના લાભાર્થે આ વિશાળ બિઝનેસનો રૂ. 25 લાખ આસપાસનો નફો વપરાય તેની સામે કોઈને પણ વાંધો ન હોય શકે, સેવાકીય પ્રવૃતિઓ ખૂબ સારી બાબત કહેવાય પરંતુ આગ અકસ્માત તો ગમે ત્યાં થઈ શકે.
સેવાકાર્યમાં બેદરકારી દાખવવી એ બીજા લોકો માટે જોખમી સાબિત થઇ શકે છે. દુર્ઘટના ગમે ત્યાં થઈ શકે , સાવધાની હટી દુઘટર્ના ઘટી અને, આવડી મોટી ફટાકડાબજારમાં તો ખરીદી કરનારાઓની સંખ્યા પણ મોટી હોય, આવા સમયે ધારો કે ભયાનક આગ ફાટી નીકળે તો જવાબદારીઓ કોની ?! એ પ્રશ્ન અહીં એટલાં માટે પુછાઇ રહ્યો છે કારણકે , આ ફટાકડાબજાર ઘણાં દિવસોથી ‘ લાયસન્સ’ વિના ધમધમી રહી છે.
કદાચ આ ફટાકડા બજારના સંચાલકો સરકારી લાયસન્સ તો ગમે ત્યારે મળી જાય તેમાં કાઈ મોટી વાત નથી એવું સમજતા હશે માટે હજૂ સુઘી લાયસન્સ લીધું નથી.અત્યંત આધારભૂત સૂત્ર અનુસાર, આજે સોમવારે 28 ઓકટોબર બપોરે બાર વાગ્યે, આ લખાઈ રહ્યું છે, ત્યાં સુધી આ ફટાકડાબજાર પરવાનો મેળવી શકી નથી ! અને, ઘણાં દિવસોથી આ વિશાળ ફટાકડાબજારની જાહેરાતો અને વેચાણ ધૂમ મચાવી રહ્યા છે. ગામમાં પરચૂરણ સ્ટોલ બંધ કરાવીને પોતાની પીઠ ખુદના હાથે થાબડતાં તંત્રો, આટલી મોટી ફટાકડાબજારોની લાજ શા માટે કાઢતાં હોય છે ?! ધારો કે, કોઈ દુર્ઘટના સર્જાઈ ગઈ તો ?!
Meraweb.in દ્વારા આજે સવારે ગ્રામ્ય SDM કચેરીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, આ અધિકારી રજા પર જતાં રહ્યા છે. તેમના હોદ્દાનો ચાર્જ શહેર SDM પાસે છે, આ અધિકારી જણાવે છે કે, તેઓ અમદાવાદ છે. શહેર મામલતદાર કહે છે, અમારી પાસેથી આવી કોઈ મોટી ફટાકડાબજારે પરવાનો લીધો નથી. ગ્રામ્ય મામલતદાર કહે છે: આ બધી વિગતો ગ્રામ્ય SDM કચેરી પાસે હોય છે. ગ્રામ્ય મામલતદાર કચેરીએ વિભાપર કે દરેડની મોટી ફટાકડાબજારોની ચેકિંગ માટે મુલાકાત લીધી નથી.
ટૂંકમાં, તંત્રોની વિગતો અનુસાર આજની તારીખે ઘણાં ફટાકડા વેચાણ કેન્દ્રો એવા છે જેમની પાસે, આજની તારીખ સુધી ફટાકડા સંગ્રહ કે વેચાણનો પરવાનો નથી. ધારો કે, આ સ્થિતિઓમાં કયાંય પણ દુર્ઘટનાઓ સર્જાઈ ગઈ તો ?! શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દરેક તહેવારોમાં તંત્રોની લાલિયાવાડીઓ વર્ષોથી શા માટે ચાલી રહી છે ?! ઉચ્ચ અધિકારીઓ આવી બધી બાબતોની સમીક્ષા કે મોનિટરીંગ નહીં કરતાં હોય ?! એવો પ્રશ્ન પણ લોકોમાં પૂછાઈ રહ્યો છે.