આ વર્ષે કુદરત રૂઠ્યો હોય અને ખેડૂતોની રીતસરની માઠી બેસી ગઈ હોય કેવી રીતે વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શરૂઆતના તબક્કામાં મેઘરાજા મહેરબાન થયા ત્યારે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા અને ઘરે લાપસીના આંધણ મૂક્યા હતા. પરંતુ ત્યારબાદ એકાએક પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું જેમાં નીચાણવાળા વિસ્તારો અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં નદીકાંઠાના જે વિસ્તારો હતા તેમાં મોટા પાયે નુકસાન થયું હતું. ત્યારબાદ પાંચ ઓક્ટોબરે તો ચોમાસુ સત્તાવાર વિદાય લેશે તેવી વાતો સામે આવી હતી અને અચાનકથી એકાએક જે વરસાદ ખાબક્યો તેના કારણે ખેડૂતોના ઉભા પાકનો સોથ વળી ગયો છે.
જામનગર જિલ્લાઓની જો વાત કરીએ તો લાલપુર પંથકમાં પડેલા અતિશય વરસાદના કારણે પાથરે પડેલી મગફળી તેમજ કપાસના પાકને મોટાપાયે નુકસાન થયું છે. સાતમ આઠમના તહેવારો સમયે પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એ સર્વેની કામગીરી હજુ તો પૂર્ણ નથી કરી લીધી ત્યાં ફરી બીજા રાઉન્ડમાં કુદરતી આફત એ ખેડૂતોની દિવાળી બગાડી છે અને ધરતીપુત્રને પડયા પર પાટુ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે 66,130 હેકટર જમીન પર ઉભેલાં પાકોને નુકસાન થયું છે, એમ સર્વે બાદ જાહેર થયેલું છે. જેની સહાય મળવાની હજુ બાકી છે. ખેડૂતોને સહાયના ધોરણો મુજબ, 30 ટકાથી વધુ નુકસાન થયાનું બહાર આવ્યું છે. દરમિયાન, હાલ ફરી એકવાર વરસાદ વરસતાં ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિઓ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ ઓગસ્ટમાં અતિવૃષ્ટિ થયેલી. જિલ્લામાં 47 ટીમોએ 418 ગામોનો સર્વે કર્યો હતો. ખેતીને કરોડોનું નુકસાન થયેલું. અને, તાજેતરમાં પણ ઉપરાઉપરી બે વખત જિલ્લામાં સવા બે અઢી ઈંચ જેટલાં વરસાદથી ફરી નુકસાન થયું. હજારો ખેડૂતોની નજર આજની કેબિનેટ બેઠકમાં નુકસાન સહાય અંગે શું જાહેરાત થાય છે, તેના પર છે.