Site icon Meraweb

રાજકારણમાં જોડાવા અંગે નરેશ પટેલમાં નિર્ણય શક્તિનો અભાવ કે અન્ય કોઈ રાજકીય અવઢવ ??

કાગવડના ખોડલ ધામના પ્રમુખ નરેશ પટેલના રાજકારણમાં સક્રિય થવાના અહેવાલ વચ્ચે તેઓ આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સાથે જોવા મળ્યા છે. જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન થયુ છે. આ ભાગવત સપ્તાહમાં બીજી વખત નરેશ પટેલ સામેલ થયા છે.

આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પણ ભાગવત સપ્તાહમાં સામેલ થવા જામનગરમાં છે. જ્યાં નરેશ પટેલ પણ પહોંચ્યા હતા. આ સમયે સાંસદ પૂનમબેન માડમ, આર.સી. ફળદુ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. નરેશ પટેલના રાજકારણમાં સક્રિય થવાના લાંબા સમયથી અહેવાલ આવી ચૂક્યા છે. તેઓ દિલ્હીમાં કોંગ્રસ હાઈ કમાન્ડ સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે.

નરેશ પટેલ ભાજપના નેતાઓ સાથે વધુ જોવા મળી રહ્યા છે .ત્રણ દિવસ પૂર્વે શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રથમ દિવસે નરેશ પટેલ પોથી યાત્રામાં હાજરી આપી હતી જેમાં વરુણ પટેલ , નરેશ પટેલ અને અલપેશ ઠાકોર એક રથમાં જોવા મળ્યા હતા .ત્યારબાદ આજે સી.આર.પાટિલ સાથે બીજી વખત ભાગવત સપ્તાહમાં હાજર રહ્યા હતા જેના કારણે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે .પરંતુ નરેશ પટેલે આજે પણ મીડિયા સાથેની વાતચીત દરમિયાનમાં તેઓએ કોઈ પક્ષ સાથે જોડાવાનો નિર્ણય હજુ સુધી નથી લીધો તેમ જણાવ્યુ હતું .

નરેશ પટેલમાં નિર્ણય શક્તિનો અભાવ કે અન્ય કોઈ રાજકીય અવઢવ ??

નરેશ પટેલ રાજકારણમાં જોડાવના નિર્ણયને લઈને તમામ પક્ષો સાથે , બધા સમાજો સાથે તેઓએ ચર્ચાઓ કરી છે .થોડા સમય પૂર્વે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ચર્ચાઓ કર્યા બાદ થોડા દિવસોથી નરેશ પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળી રહ્યા છે છતાં પણ હજુ ક્યાં પક્ષમાં જોડાશે તે નિર્ણય હજુ લઈ શક્યા નથી , આથી લોકમુખે ચર્ચાઇ રહ્યું છે કે નરેશ પટેલમાં નિર્ણય શક્તિનો અભાવ છે કે પછી અન્ય કોઈ રાજકીય અવઢવ છે ? હવે આવનારા સમયમાં નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં ? અને જોડાશે તો ક્યાં પક્ષ સાથે જોડાશે ? તે નિર્ણય પર બધા લોકો મીટ માંડીને બેઠા છે .આજના પાટિલ અને પટેલની સાથે આવેલી મુલાકાતને લઈને નરેશ પટેલ ભાજપમાં જોડાય તેવા સમીકરણો બની રહ્યા છે પરંતુ આજે પણ નરેશ પટેલની સાથે પાટિલ હોવા છતાં તેઓએ મગનું નામ મરી પાડ્યું નથી ..