PLFS એટલે કે પીરિયોડિક લેબર ફોર્સ સર્વેએ 2024ના પ્રથમ ત્રિમાસિક જાન્યુઆરીથી માર્ચ સુધીના ડેટા જાહેર કરી દીધા છે. જે સૂચવે છે કે 15 થી 29 વયજૂથ વચ્ચેના આ સમયગાળામાં બેરોજગારીની દૃષ્ટિએ કેરળ સૌથી આગળ રહ્યું છે, જ્યારે દિલ્હીમાં બેરોજગારીનો દર સૌથી ઓછો જોવા મળ્યો છે. આ કેટેગરીમાં કુલ બેરોજગારીનો દર 17 ટકા રહ્યો હતો, જે 2023ના આ સમયગાળા કરતાં સામાન્ય ઓછો છે.
એક અહેવાલમાં પ્રકાશિત PLFSના ડેટા દર્શાવે છે કે 15 થી 29 વયજૂથમાં બેરોજગારી મામલે જમ્મુ અને કાશ્મીર, તેલંગાણા, રાજસ્થાન અને ઓડિશા ટોચના 5 રાજ્યોમાં સામેલ છે. આ સમયગાળા દરમિયાન તમામ વયજૂથમાં બેરોજગારી લગભગ 6.7 ટકાની આજુબાજુ રહ્યો છે. જ્યારે ઓક્ટોબર-ડિસેમ્બરના છેલ્લા ત્રિમાસિક ગાળામાં આ આંકડો 6.5 ટકાની આસપાસ હતો.
શું છે આખા દેશની હાલત?
22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી (3.1%) સિવાય ઓછા બેરોજગારી દર ધરાવતા રાજ્યોમાં ગુજરાત (9%) અને હરિયાણા (9.5%)નો સમાવેશ થાય છે. આ સિવાય કર્ણાટકમાં આ આંકડો 11.5% રહ્યો હતો અને મધ્યપ્રદેશમાં આ દર 12.1% હતો. અહીં, જમ્મુ અને કાશ્મીરમાં મહિલાઓમાં બેરોજગારીનો દર સૌથી વધુ 48.6 ટકા હતો. જ્યારે કેરળમાં આ આંકડો 46.6 ટકા, ઉત્તરાખંડમાં 39.4 ટકા, તેલંગાણામાં 38.4 ટકા અને હિમાચલ પ્રદેશમાં 35.9 ટકા રહ્યો છે. જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં મહિલાઓમાં એકંદરે બેરોજગારીનો દર 22.7 ટકા હતો, જે 2023ના 22.9 ટકાના આંકડા કરતાં થોડો ઓછો હતો.