જામનગરમાં આવનારી કોર્પોરેશન ચૂંટણીને લઈને ભાજપની અંદર હાલ જે સ્થિતિ ઉભી થઈ છે, તે સામાન્ય રાજકીય હલચલ નહીં પરંતુ સ્પષ્ટ રીતે સત્તા માટેનું યુદ્ધનું ઘમાસાણ બની ગયું છે. ટિકિટ મેળવવા માટે દાવેદારો હવે ખુલ્લેઆમ લોબિંગ, દબાણ અને જૂથબાજી પર ઉતરી આવ્યા છે, જેના કારણે પાર્ટીના આંતરિક માહોલમાં ગરમાવો હવે ઉકળાટમાં ફેરવાઈ ગયો છે.
નવી ગાઇડલાઇનએ તો જાણે જૂના અને બેઠેલા જોગીઓના પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય તેવી પરિસ્થિતિ ઉભી કરી છે. વર્ષોથી પક્ષ માટે ખપેલા નેતાઓને હવે પોતાની જ ટિકિટ કપાઈ જવાની ભીતિ સતાવી રહી છે. “આ વખતે અમારો નંબર તો નથી ને?”—આ પ્રશ્ને ઘણા દાવેદારોની રાતોની ઊંઘ ઉડાવી દીધી છે અને ચહેરા પર સ્પષ્ટ ભય દેખાઈ રહ્યો છે.આ વખતે સિટિંગ કોર્પોરેટરોમાંથી 90 ટકાથી વધુ લોકોની ટિકિટ કપાવાની પૂરીપુરે શક્યતા હોવાનું બિન – આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે.
પાર્ટીના કોરિડોરમાં હવે માત્ર ચર્ચાઓ નહીં, પણ ગુસ્સો, અસંતોષ ખુલ્લેઆમ સાંભળવા મળી રહ્યા છે. ગુપ્ત બેઠકો અને પાછળથી થતી ખેંચતાણ હવે ધીમે ધીમે જાહેર બળવામાં પરિવર્તિત થવાની દિશામાં આગળ વધી રહી છે. ઘણા દાવેદારો હવે મૌન તોડી પોતાના અસંતોષને ખુલ્લેઆમ વ્યક્ત કરવા માટે તૈયાર થઈ રહ્યા છે, જે પક્ષ માટે ખતરાની ઘંટડી સમાન છે.
જો આ પરિસ્થિતિ પર સમયસર કાબૂ નહીં મેળવાય, તો ભાજપ માટે સૌથી મોટો ખતરો બહારના વિરોધીઓ નહીં, પરંતુ પોતાની જ અંદરની ભાંગતોડ બની શકે છે. આંતરિક વિખવાદ અને જૂથબાજી આવનાર ચૂંટણીમાં સામસામી ફટકાબાજી કરી શકે છે, જેના પરિણામે સત્તા જાળવવાનું સપનું તૂટી શકે છે.
આખરે, જામનગરમાં ભાજપ માટે આ ચૂંટણી માત્ર જીત-હારનો મુદ્દો નથી રહ્યો—આ હવે પક્ષની એકતા, શિસ્ત અને નેતૃત્વની સાચી પરીક્ષા બની ગઈ છે.

