જામનગર જિલ્લાની જામજોધપુર-લાલપુર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ રાજયના મુખ્યમંત્રીને પત્ર લખી સમગ્ર સૌરાષ્ટ્રને દૂષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાય જાહેર કરવા અંગે રજૂઆત કરી છે.
મુખ્યમંત્રી કિશાન સહાય યોજના હેઠળ અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કિસ્સામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સહાય મળવાપાત્ર હોય છે. જેમાં અનાવૃષ્ટિના કિસ્સામાં નિયમોનુસાર તાલુકાના મહેસુલી રેઇન ગેજ મુજબ જે તાલુકામાં ચાલુ સીઝનનો 10 ઇંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા રાજયમાં ચોમાસુ શરૂ થાય ત્યારથી 31 ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડીયા એટલે કે 28 દિવસનો ગેપ હોય એટલે કે વરસાદ ન પડ્યો હતો. સતત 28 દિવસ શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકશાન થયેલ હોય તેને દૂષ્કાળનુ જોખમ ગણવામાં આવે છે.
આ નિયમ મુજબ સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહીના કરતાં વધુ સમયથી વરસાદ પડેલ નથી. વધુમાં ચોમાસુ શરૂ થયા બાદ સૌની યોજનાનું પાણી પણ કોઇ તાલુકામાં છોડવામાં આવેલ ન હોય જેને કારણે ખેડૂતોના પાકને મોટુ નુકશાન થવા પામે છે. આથી આ બાબતે તાત્કાલીક સર્વે કરાવી અસરગ્રસ્ત વિસ્તારોને દૂષ્કાળગ્રસ્ત જાહેર કરી મુખ્યમંત્રી કિશાન સહાય યોજના હેઠળ સહાય ચુકવવા ધારાસભ્યએ મુખ્યમંત્રી તથા કૃષિમંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરી છે.