Site icon Meraweb

જામ સાહેબે વડાપ્રધાનને હાલારી પાઘડી પહેરાવી ‘વિજયીભવ’ના આશીર્વાદ પાઠવ્યા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે જામનગરના પ્રદર્શન મેદાનમાં ચૂંટણીલક્ષી જાહેર સભા યોજાઈ હતી, ત્યારે તેઓ જામનગરના એરપોર્ટ પરથી ઉતરીને પોતાના રસાલા સાથે પ્રદર્શન મેદાન તરફ આવી રહ્યા હતા, જે દરમિયાન પાયલોટ બંગલા પાસે તેઓએ પોતાના રસાલાને થંભાવીને જામનગરના માજી રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજા ના નિવાસ્થાને પહોંચ્યા હતા, અને જામ સાહેબ સાથે મુલાકાત કરી હતી.જ્યાં માજી રાજવી શત્રુશલ્યસિંહજીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ફુલહાર પહેરાવી સ્વાગત કર્યા પછી તેઓને હાલારી પાઘડી પહેરાવી હતી. જેને વડાપ્રધાને પ્રસાદ સમજ્યો હતો, અને શત્રુશલ્ય સિંહજીએ પણ તેઓને ‘વિજયીભવ’ના આશીર્વાદ પાઠવ્યા હતા. જે આશીર્વાદ મેળવીને વડાપ્રધાને ધન્યતા અનુભવી હતી.

જે સમગ્ર ઘટનાની જાણકારી તેઓએ સભા મંચ પરથી પણ પ્રજાજનોને આપી હતી. જામ સાહેબ શત્રુશલ્યસિંહજીના વિજયીભવ ના આશીર્વાદ મળી ગયા છે પછી હવે બાકી કશું રહેતું નથી તેવો તેમણે સભાસ્થાનેથી ઉલ્લેખ કર્યો હતો.

સભા સ્થળ પર મુખ્યમંત્રી દ્વારા બીજી હાલરી પાઘડી પહેરાવવાના અવસરે વડાપ્રધાને જામ સાહેબના આશીર્વાદ રુપી પાઘડી ઉતારી ન હતી

જામનગરમાં પ્રદર્શન મેદાનમાં યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા દરમિયાન મંચ પર વડાપ્રધાનના સ્વાગત ની તૈયારીઓ ચાલતી હતી, અને જામનગર જિલ્લાના સાંસદ અને લોકસભાની બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમ તેમજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જામનગરની ઓળખ સમી બાંધણીથી સ્વાગત કરાયું હતું.

ત્યારબાદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હાલારી પાઘડી થી સન્માન કરવાનો વારો આવ્યો, ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે મને અહીં મંચ પર આવ્યો તે પહેલાં જામનગરના માજી રાજવી જામસાહેબે પાઘડી પહેરાવી છે, જે મારા માટે પ્રસાદી રૂપ છે. તેને ઉતારવાની હિમ્મત કોનામાં હોય, તેમ કહી તે પાઘડી ઉતારી ન હતી, અને સભા સ્થળ પરથી વિદાય લીધી ત્યાં સુધી તે પાઘડી પહેરીને જ રાખી હતી.

જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અપાયેલી પાઘડીને પોતાના હાથમાં લઈને તેઓનું અભિવાદન જીલી લીધું હતું. પોતે પહેરેલી માજી રાજવી ની હાલારી પાઘડી પોતાના માટે પ્રસાદ રૂપ છે. તેવો પણ પોતાના વક્તવ્યમાં વડાપ્રધાને ઉલ્લેખ કર્યો હતો.