રાજ્યના ખેડૂતો હવે ખેતરમાં દવાનો છંટકાવ ડ્રોનની મદદથી કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીમાં નવતર પ્રયોગ હાથ ધરાશે. રસાયણો, નેનો યુરીયા, પ્રવાહી-જૈવિક ખાતરના છંટકાવ માટે બે પદ્ધતિનો અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં એક છે ડ્રોન ટેક્નોલોજી અને બીજી છે કૃષિ વિમાનના ઉપયોગ.નેનો યુરીયાના છંટકાવ માટે ખાસ 2 થી 3 ગામોના 1500 એકરના ક્લસ્ટર બનાવી ડ્રોન દ્વારા છંટકાવ કરી શકાશે. આ યોજનાનો લાભ લેવા માટે 28 જુલાઇ 2022થી એકમાસ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.
પીએમ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે કૃષિમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ સહિત અનેકવિધ નવા આયામો -સુધારા અમલી બનાવ્યા છે. પીએમ મોદીના આ સંકલ્પને સાકાર કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજય સરકાર દ્વારા વર્ષ 2022-23 દરમિયાન કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી- કૃષિ વિમાનના મહત્તમ ઉપયોગ અંગેની નવી યોજના માટે કુલ રૂ.3500 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે કુલ 1.40 લાખ એકરમાં પાક સંરક્ષણ રસાયણો, નેનો યુરીયા, FCO માન્ય પ્રવાહી તેમજ જૈવિક ખાતરના છંટકાવની કામગીરી બે પધ્ધતિ દ્વારા અમલમાં મૂકવાનો ગુજરાત સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા સહાયનું ધોરણ ખર્ચના 90% અથવા વધુમાં વધુ રૂ.500/- બે માંથી જે ઓછુ હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે. ખાતર-જંતુનાશક દવાઓના મહત્તમ ઉપયોગ થકી ખેડૂતોની આવકમાં ૪૦% વધારાની સાથે પર્યાવરણના પ્રદૂષણને નિયંત્રણમાં રાખી શકાય છે. વધુમાં કૃષિમંત્રીએ જણાવ્યું કે કૃષિક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી-કૃષિ વિમાનના ઉપયોગની 100% રાજ્ય પુરસ્કૃત યોજનાનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 5મી ઓગસ્ટે રોજ સવારે 9 કલાકે ગાંધીનગરના ઇસનપુર મોટા ગામેથી કરવામા આવશે. આ પ્રસંગે ઇફ્કોના ચેરમેન દિલિપ સંઘાણી ઉપસ્થિત રહેશે. જ્યારે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ખાતેથી અને કૃષિ રાજય મંત્રી મુકેશભાઇ પટેલ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભટગામેથી શુભારંભ કરાવશે. જ્યારે ડાંગ જિલ્લા સિવાય બાકીના તમામ જિલ્લાઓમાં 5 ઑગષ્ટે જ શુભારંભ કરવામાં આવશે.