Indian Flag in Pakistan : સ્ટેજ પર તિરંગો લઈને પહોંચ્યો પાકિસ્તાની વિદ્યાર્થી તો બંધ કરી દીધું મ્યુઝિક, પાડોશી દેશમાં ભારતીય ધ્વજ ફરકાવતા અટકાવ્યો

આઝાદીના 75 વર્ષ પૂરા થવા નિમિત્તે ભારતમાં ઘરે ઘરે તિરંગો ફરકાવવાનુ અભિયાન શરુ થયુ છે.ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ તિરંગો લહેરાવવાની આશ્ચર્યજનક ઘટના બની છે.સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વિડિયોમાં પાકિસ્તાનની એક કોલેજનો વિદ્યાર્થી એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર તિરંગો ફરકાવે છે અને બેકગ્રાઉન્ડમાં વંદે માતરમ ગીત સાંભળી શકાય છે.

આ વિડિયો પાકિસ્તાનના મુલ્તાનમાં આવેલી શહિદા ઈસ્લામ કોલેજનો છે. યુનાઈટેડ નેશન્સની મોક મિટિંગના કાર્યક્રમમાં તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.

જોકે સંચાલકોને આ વાત ગમી નહોતી.વિડિયોમાં જોઈ શકાય છે કે, વિદ્યાર્થી તિરંગો ફરકાવે છે અને ગણતરીની સેકંડોમાં મ્યુઝિક બંધ થઈ જાય છે અને એ પછી કેટલાક વિદ્યાર્થીઓ દીવા લઈને મંચ પર આવે છે અને બોલીવૂડ ગીત વાગવા મંડે છે.

પાકિસ્તાની પત્રકાર ગુલામ અબ્બાસ શાહે આ વિડિયો શેર કરીને લખ્યુ હતુ કે, મુલતાનની કોલેજમાં તિરંગો ફરકાવાયો હતો અને વંદે માતરમ ગાવામાં આવ્યુ હતુ.

જોકે આ  શો જોવા માટે બેઠેલા લોકોએ નારાજગી વ્યક્ત કરતા ભારતનુ પ્રતિનિધિત્વ કરતા વિદ્યાર્થીઓને રોકી દેવામાં આવ્યા હતા.

મોડેલ યુએન એસેમ્બલીના કાર્યક્રમમાં છાત્રોની દરેક ટુકડીને એક એક દેશનુ પ્રતિનિધિત્વ કરવાનુ કામ સોંપાયુ હતુ.જેમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરતા વિદ્યાર્થીઓએ તિરંગો ફરકાવ્યો હતો.