જામનગરમા ખોરાકમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે.પટેલ કોલોનીમા આવેલી બોમ્બે નમકીનમાંથી ઈયળ નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકે ખરીદેલી ખજૂરમાંથી જીવતી ઈયળ નીકળી હતી. કોર્પોરેશનનું ફૂડ શાખા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તહેવાર સમયે જ ફૂડમાંથી ઈયળ નીકળતા લોકોમા ચર્ચા જાગી છે.

દિવાળીના તહેવારો નજીક આવતા ખોરાકમાંથી જીવાત નીકળવી અને ફૂડ શાખાના ચેકિંગનું નાટક બંને સામાન્ય થઈ ચૂક્યું હોય તેવી પરિસ્થિતિ જામનગરમાં સર્જાય છે. ફૂડ શાખા દ્વારા અલગ-અલગ દુકાનોમાં માત્ર મીઠાઈઓના અને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈને ચેકિંગના નાટક હાથ ધરવામાં આવતા હોય છે. સેમ્પલના રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તો તહેવારો પૂર્ણ થઈ જતા હોય છે અને ચીજ વસ્તુઓનું બેફામ વેચાણ લોકોના ઘર ઘર સુધી પહોંચી જતું હોય છે.

તહેવારો નજીક આવે ત્યારે ફૂડ શાખા હરકતમાં આવે અને નોકરીના ભાગરૂપે દુકાનોમાં જઈને માત્ર સેમ્પલ લઈ ખુદ સંતોષ માની લે છે અને બજારમાં શુદ્ધ અને સાત્વિક ખોરાક નું વેચાણ થાય છે તેવી પ્રતીતિ લોકોને પણ કરાવે છે. જામનગરમાં થોડા સમય પહેલા છાશ વાલા દુકાનમાંથી વંદો નીકળવાની ઘટના બની હતી ત્યારબાદ યુએસ પિઝાના આઉટલેટ માંથી વંદો નીકળવાની ઘટના સામે આવી હતી ત્યારે ફરી એક વખત તહેવારો નજીક આવે છે ત્યારે પટેલ કોલોની પાસે આવેલા બોમ્બે નમકીનમાંથી ખજૂરમાંથી જીવતી ઈયળ નીકળવાના બનાવે લોકોને હસમચાવી દીધા છે.
અખાત્ય ખોરાક અને બનાવટી વસ્તુઓને લઈને મુખ્યમંત્રી પણ એવું સ્પષ્ટપણે માને છે કે આ પ્રકારનું વેચાણ રોકાવવું જોઈએ કારણ કે તે સીધું લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે પરંતુ સરકાર દ્વારા કરવામાં આવતા સકારાત્મક પ્રયાસો કદાચ હજુ સુધી અધિકારીઓ તેનો અભિગમ સમજી શક્યા નથી.
આતો કોઈ એક દુકાનમાંથી ઇયળ નીકળી અને જાગૃત નાગરિકે ખુદ વિભાગમાં ફરિયાદ કરી ત્યારે ખબર પડી પરંતુ આવી કેટલી દુકાનો હશે જ્યાં આ પ્રકારના ખોરાકનું વેચાણ થાય છે!! તેને કોણ અટકાવશે ? આ પ્રકારનો અખાદ્ય જથ્થો વેચતા વેપારીઓ પર શું પગલાં લેવામાં આવશે ? અને અન્ય ફરસાણ કે મીઠાઈ વેચતા દુકાનદારો તમામ કાળજી રાખે તેના માટે દાખલો બેસે તેવી કાર્યવાહી અધિકારીઓએ પોતાની વેડફાયેલી આબરૂ બચાવવા માટે કડક કાર્યવાહી અપનાવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે.





















