જામનગરમાં યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાને અનુલક્ષીને રાજ્યના એ.ડી.જી.પી. રાજકુમાર પાંડિયને મુલાકાત લીધી

જામનગર શહેરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૨જી મે ના દિવસે જાહેર સભા યોજાઈ રહી છે, ત્યારે લોખંડી સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવાના ભાગરૂપે પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ કમાર કસી રહી છે. દરમિયાન ગુજરાત રાજ્યના એડીજીપી રાજકુમાર પાંડિયન પણ આજે સવારે જામનગરના મહેમાન બન્યા હતા, અને સવારે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં પ્રદર્શન મેદાનની મુલાકાત લીધી હતી, અને જાત નિરીક્ષણ કર્યું હતું.

આ વેળાએ તેઓની સાથે રાજકોટ રેન્જના આઈજીપી અશોકકુમાર યાદવ, જામનગરના એસપી પ્રૅમસુખ ડેલુ તથા અન્ય પોલીસ અધિકારીઓનો વિશાળ કાફલો પ્રદર્શન ગ્રાઉન્ડના સ્થળે હાજર રહ્યો હતો, અને સમગ્ર જાહેર સભા ની સુરક્ષા વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.