ચેન્નાઈમાં આ દંપતીએ ડોક્ટરને દેખાડવાને બદલે WhatsAppના સહારે કરાવી પત્નીની ડિલીવરી

ચેન્નાઈમાં એક કપલે પોતાના ઘરે બાળકનો જન્મ કરાવ્યો હોવાનો મામલો જોર પકડી રહ્યો છે. મામલો એ હદે વધી ગયો કે પોલીસે આ કેસની તપાસ કરવી પડી. એવો આરોપ છે કે ડોક્ટરની સલાહ લીધા વિના ઘરે જ ડિલીવરી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, તે બંને 1,000થી વધુ લોકોવાળા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાયેલા રહ્યા હતા. આ લોકોએ કપલને જે પણ સૂચના આપી હતી, તેઓએ તે જ કર્યું. સોશિયલ મીડિયા પર આ ઘટનાની ખૂબ ચર્ચા થઈ રહી છે અને કપલના આ નિર્ણય પર ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર, 36 વર્ષીય મનોહરન અને તેની 32 વર્ષીય પત્ની સુકન્યા ‘હોમ બર્થ એક્સપિરિયન્સ’ નામના વોટ્સએપ ગ્રુપનો ભાગ છે. આ ગ્રુપ એવા સભ્યોથી ભરેલું છે જેમણે ઘર પર જ બાળકને જન્મ આપવા વિશે સલાહ પોસ્ટ કરી છે. આ કપલે ત્રીજા બાળકને જન્મ આપવા માટે ઓનલાઈન પ્લેટફોર્મનો સહારો લીધો હતો. તેમને પહેલેથી જ બે દીકરીઓ છે, જેમની ઉંમર અનુક્રમે 8 વર્ષ અને 4 વર્ષની છે. જ્યારે સુકન્યા તેના ત્રીજા બાળક સાથે ગર્ભવતી થઈ, ત્યારે તેણે તબીબી તપાસ ન કરાવવાનું નક્કી કર્યું. નવાઈની વાત એ છે કે આખી પ્રેગ્નન્સી દરમિયાન કોઈ ટેસ્ટ કરાવવામાં આવ્યો ન હતો.

કપલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

17 નવેમ્બરના રોજ સુકન્યાને પ્રસૂતિની પીડા થઈ હતી. આ સ્થિતિમાં કપલે હોસ્પિટલ જવાને બદલે વોટ્સએપ ગ્રુપનો સહારો લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે મનોહરન પોતે ડિલિવરી કરાવી હતી. બાળકનો જન્મ થયો અને ઈન્ટરનેટ પર તેના વિશે ઘણી ચર્ચા થવા લાગી. ત્યારબાદ પબ્લિક હેલ્થ ઓફિસરે કપલ વિરુદ્ધ કુન્દ્રાથુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. તેમાં કહેવામાં આવ્યું છે કે મનોહરને જે કર્યું તે નિયત તબીબી સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરે છે. આ ફરિયાદોના આધારે પોલીસે મનોહરનની પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન તેમને વોટ્સએપ ગ્રુપ વિશે જાણકારી મળી. આ મામલે તપાસ ચાલી રહી છે જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.