ગુજરાતના મોરબીમાં ઝૂલતા પુલ અકસ્માતની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ હાઈકોર્ટમાં પોતાનો પાંચ હજાર પાનાનો રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ અને તેના બે મેનેજરને અકસ્માત માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. SITએ આરોપીઓ સામે IPCની કલમ 302 લગાવવાની ભલામણ કરી છે.
અધિકારીઓ પર બેદરકારીનો આરોપ
મંગળવારે એસઆઈટીએ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ મેઈની ડિવિઝન બેંચ સમક્ષ મોરબી ઝૂલતા પુલ અકસ્માત અંગે તૈયાર કરાયેલ પાંચ હજાર પાનાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. એસઆઈટીએ ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ અને તેના બે મેનેજર દિનેશ દવે અને દીપક પારેખને બ્રિજ તૂટી પડવા માટે જવાબદાર ઠેરવ્યા છે. આ કેસની સુનાવણી દિવાળી પછી થશે.
પીડિત પક્ષના વકીલે કહ્યું કે પુલ ખોલતા પહેલા તેની સુરક્ષા તપાસ કરવામાં આવી ન હતી. તેનો ફિટનેસ રિપોર્ટ તૈયાર કરાયો ન હતો. કંપનીએ ટિકિટના વેચાણને લઈને પણ કોઈ નિયમો બનાવ્યા નથી. દુર્ઘટના સમયે, એવો દાવો કરવામાં આવ્યો હતો કે પુલ પર તેની ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓ હતા, જેની પુષ્ટિ આ અહેવાલ દ્વારા થાય છે.
એસઆઈટીએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે બ્રિટિશ કાળમાં બનેલા આ સો વર્ષ કરતાં પણ વધુ જૂના પુલને કલર કરવામાં આવ્યો હતો અને નજીવી સમારકામ સાથે પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પાલિકાના ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓની બેદરકારીનો પણ અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે.
આમાં તેમને પણ આરોપી બનાવી શકાય છે. નોંધનીય છે કે 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં ઝુલતો પુલ ધરાશાયી થવાને કારણે 135થી વધુ લોકોના મોત થયા હતા. જેમાં 21 બાળકોનો સમાવેશ થાય છે. છઠ પૂજાના કારણે બ્રિજ પર મોટી ભીડ એકઠી થતાં વાયર તૂટી જતાં ઝુલતો પુલ નદીમાં પડ્યો હતો. દુર્ઘટના સમયે બ્રિજ પર 500થી વધુ લોકો હાજર હતા.