Site icon Meraweb

યુવા સ્વાભિમાન સંમેલનમાં ખેસ વગર જોવા મળ્યા હાર્દિક પટેલ અત્યારે કોંગ્રેસમાં જ છું પણ કેટલાક લોકો મારું મનોબળ પણ તોડવાની સાથે ઇચ્છે છે કે હું પક્ષને છોડું : હાર્દિક પટેલ

કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ફરી એક વખત ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધ્યું છે. હાર્દિક પટેલે ટ્વીટ કરી જણાવ્યું કે હું અત્યારે કોંગ્રેસમાં જ છું.

હું કોંગ્રેસમાં જ રહું તેના માટે હાઇકમાન્ડ કોઇક રસ્તો કાઢશે તેવી મને આશા છે, ગુજરાત કોંગ્રેસના નેતાઓનું નામ લીધા વગર હાર્દિકે જણાવ્યું કે કેટલાક લોકો એવા છે કે જે ઇચ્છે છે કે હું કોંગ્રેસ છોડું, તેઓ મારું મનોબળ તોડવા માંગે છે.

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અગ્રણી પાટીદાર નેતા હાર્દિક પટેલની પક્ષ સામેની નારાજગી અંગેના અહેવાલો વચ્ચે તેમણે તાપી જિલ્લાના સોનગઢ ખાતે યુવા સ્વાભિમાન સંમેલનને સંબોધિત કર્યું હતું. કાર્યક્રમ બાદ હાર્દિક પટેલે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘આજ રોજ તાપી જિલ્લાના સોનગઢ ખાતે યુવા સ્વાભિમાન સંમેલનને સંબોધન કર્યું. હું ગુજરાતના યુવાનોની શક્તિ અને ચિંતાને સમજી શકું છું કેમ કે હું યુવાન છું. આજની સભા માત્ર ટ્રેલર છે પિક્ચર હજુ બાકી છે. ગુજરાતના હિત સિવાય કોઈ જ ઉદ્દેશ નથી.’