ચોમાસાના આગમનની સાથે જ અડધા ગામમાં અંધારપટ્ટ થતા પીજીવીસીએલએ તેની આબરૂ પર ફરીથી એક વખત પાક્કો કલર કરી નાખ્યો છે.વરસાદના બે છાંટા પડતાની સાથે જ અડધા જામનગરમાં અંધારપટ્ટ છવાયો છે.જામનગરમાં આજે ધીમી ધારે વરસાદના વધામણા થયા તો બીજી તરફ અડધા શહેરમાં વીજળીએ વિદાય લઈ લીધી છે.આ વાત અને આ સમસ્યા કોઈ આ વખતની નથી પરંતુ આમ તો સામાન્ય રીતે આ પીડા દરવર્ષની છે , કહેવાય છે કે ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય રીતે ચોમાસામાં વીજળીની સમસ્યા રહેતી હોય છે પરંતુ આજના સમયમાં જામનગરની હાલત અને શહેરના મોટા ભાગના વિસ્તારોની હાલત ગામડાથી પણ બદતર છે.શહેરમાં વરસાદના બે છાંટા પડ્યા ને 25 થી વધુ ફિડરોમાં ફોલ્ટ સર્જાઈ ગયો છે.
શહેરના મોટાભાગના વિસ્તારો બાલાજી પાર્ક , કુબેરપાર્ક , ગુલાબનગર સહિતના ઘણા બધા વિસ્તારોમાં વીજળી ગુલ થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.આમ તો પીજીવીસીએલ આધુનિકતાની ગમે તેવી વાતો કરે પણ વરસાદના બે છાંટા પડતાની સાથે જ પીજીવીસીએલના વાયદાઓનું વસ્ત્રાહરણ થઈ જાય છે અને ફરિયાદ નંબર તો સાહેબો ફોન ઉપાડીને નીચે મૂકી દે એટલે કોઈનો લાગે કે કાઈ ઉપાધી!!
લોકો લાઇટબિલ ભરવામાં જો બે દિવસ મોડું કરે તો બીજે દિવસે સીધા કનેક્શન કાપવા પહોંચી જાય છે અને લોકોની ફરિયાદ સાંભળવા માટે PGVCL ફરિયાદ નંબર પણ ચાલુ રાખવાની તસ્દી નથી લેતું….
હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે માટે લોકોને પણ વિનંતી છે કે આવી પરિસ્થિતિઓ દર બે દિવસે સર્જાઈ શકે છે માટે તેના માટે પહેલાથી જ માનસિક તૈયાર થઈ જાઓ…..