ગુજરાત સરકારે ઓનલાઈન સેવાઓમાં વધુ એક સેવાનો ઉમેરો કરીને e-FIR સેવાનો પ્રારંભ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. હવે રાજ્યના નાગરિકોને વાહન ચોરી થવા તથા મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ નોંધાવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહિ પડે. હવે ઓનલાઈન સેવા સાથે રાજ્યના લોકો ઘરે બેઠા જ ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે.આ મામલે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતુ કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને રાજ્યના ગૃહમંત્રી તરીકે અમિત શાહ હતા ત્યારે તેઓએ એક સ્વપ્ન જોયું હતુ કે, ટેકનોલોજીના યુગમાં ગુજરાત પોલીસ અત્યાધુનિક ટેકનોલોજીથી સુસજ્જ થઈ રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે મજબૂત બને. તે જ આશાથી રાજ્યમાં પોલીસની કામગીરીઓને ઓનલાઈન કરવા માટે ઈ-ગુજકોપ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી.
e-FIR નોંધાયાના 48 કલાકમાં જ પોલીસ ફરિયાદીનો સામેથી સંપર્ક કરશે તેમજ વાહન ચોરી કે મોબાઇલ ફોન ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે. સાથે 21 દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રિપોર્ટ મોકલશે. અને આ ઓનલાઈન ફરિયાદ નોંધાયા અંગેની તથા તપાસમાં થયેલ પ્રગતિની જાણ પણ ફરીયાદીને Email અને SMS થી કરવામાં આવશે. આ સથે પોલીસ દ્વારા વીમા કંપનીને પણ Email કે SMS દ્વારા જાણ કરાશે, જેથી ફરિયાદીને તેનો વીમા ક્લેઈમ સરળતાથી મેળવવામાં મદદરૂપ થશે. આ રીતે e-FIR ઓનલાઈન સેવા દ્વારા રાજ્યના લોકોને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવવાની જરૂર નહીં પડે. e-FIRની આ સુવિધા ફક્ત એ જ સંજોગોમાં જ લઈ શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય અથવા તે ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય. ચોક્કસ સમય મર્યાદામાં e-FIRની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં કારણ જણાય તો તેવી ફરિયાદને FIRમાં ફેરવવામાં આવશે.