Gujarat Election 2022 Date: 4.9 કરોડ મતદારો, 51,782 હજાર મતદાન મથકો નક્કી કરશે ગુજરાતનું ભવિષ્ય, બે તબક્કામાં યોજાશે ચૂંટણી

ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. રાજ્યની 182 સીટોવાળી વિધાનસભા માટે બે તબક્કામાં મતદાન થશે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. ગુજરાતમાં હાલમાં ચાર કરોડ 90 લાખથી વધુ મતદારો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ વખતે 51 782 હજાર પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ‘મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રણ લાખ 24 હજાર 422 નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. રાજ્યમાં કુલ મતદાન મથકોની સંખ્યા 51,782 છે. રાજ્યમાં ઓછામાં ઓછા 50 ટકા મતદાન મથકો પર વેબકાસ્ટિંગની વ્યવસ્થા હશે.’

ગુજરાતમાં કેટલા મતદાતા

ગુજરાતમાં હાલમાં ચાર કરોડ 90 લાખથી વધુ મતદારો છે. દરેક બૂથમાં સરેરાશ 948 મતદારો છે. જેમાં 10 હજાર 460 મતદારો 100 વર્ષથી ઉપરની ઉંમરના છે. જ્યારે નવ લાખ 87 હજાર મતદારોની ઉંમર 80 વર્ષથી વધુ છે. જ્યારે, આમાં ચાર લાખ 61 હજારથી વધુ યુવા મતદારો છે. 1274 મતદાન કેન્દ્ર માત્ર મહિલાઓ માટે જ બનાવવામાં આવશે.

જ્યારે ગીરના જંગલમાં માત્ર એક જ મતદાર માટે મતદાન મથક બનાવવામાં આવશે, તો વાગરામાં એક મતદાન મથક શિપિંગ કન્ટેનરમાં બનાવવામાં આવ્યું છે. રાજ્યમાં ચાર લાખ ચાર હજાર 802 વિકલાંગ મતદારો છે. દિવ્યાંગ માટે 183 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.

ગત વિધાનસભા ચૂંટણી 2017માં 69.01 ટકા મતદાન થયું હતું. 182 વિધાનસભા બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભામાં 13 બેઠકો અનુસૂચિત જાતિ માટે, 27 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.