વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી બાદ ગુજરાતમાં પંચાયત-પાલિકાની ચૂંટણીઓ યોજાય તેવી શક્યતા છે. સ્થાનિક સત્તા મંડળ કાયદા સુધારા વિધેયકને વિધાનસભામાં પસાર કરાયુ હતું. આ સુધારા વિધેયકને રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે.આ જોતાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે. એટલુ જ નહીં, પંચાયતની ચૂંટણીમાં જસ્ટિસ ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે ઓબીસીને 27 ટકા અનામત બેઠકનો લાભ મળશે.
પંચાયત-નગરપાલિકાની ચૂંટણી યોજાઇ શકે
છેલ્લાં ઘણા વખતથી ગામડાઓમાં પંચાયતોમાં ચૂંટાયેલી પાંખ જ નથી. સમય અવધિ પૂર્ણ થતાં જ મોટાભાગની પંચાયતોમાં તલાટીઓએ વહીવટ સંભાળ્યો છે. તેમાંય ઓબીસી અનામતને લઇને વિવાદ થતાં સરકારે આખરે જસ્ટીસ ઝવેરી પંચની રચના કરવી પડી હતી. આ પંચે તમામ પાસાઓની વિચારણા અને સમુદાયના અભિપ્રાય મેળવી સરકારને રિપોર્ટ સુપરત કર્યો હતો. રાજ્ય સરકારે ચોમાસુ વિધાનસભા સત્રમાં સ્થાનિક સત્તા મંડળ કાયદા સુધારા વિધેયકને વિધાનસભામાં પસાર કર્યું હતું જેને રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે. આ જોતાં ગ્રામ પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીઓનો માર્ગ મોકળો બન્યો છે.
હવે ટૂંક જ સમયમાં રાજ્ય સરકાર નોટિફિકેશન બહાર પાડશે ત્યારબાદ પંચાયતોની બેઠકોમાં ફેરફાર થશે. ઓબીસીને 27 ટકા અનામત બેઠકોનો લાભ મળશે. પંચાયતોમાં ઓબીસી અનામતનો લાભ આપનાર ગુજરાત ચોથુ રાજ્ય બનશે. ઓબીસી અનામતને કારણે અન્ય પછાત વર્ગ, એસસી-એસટીને એક પણ બેઠક ઘટશે નહીં.
વાવ બેઠક ભાજપ-કોંગ્રેસ માટે બની પ્રતિષ્ઠાનો સવાલ
દિવાળી બાદ વાવ પેટાચૂંટણી જીતવા ભાજપ,કોંગ્રેસ મેદાને પડ્યાં છે. વાવ બેઠક બંને રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાનો સવાલ બન્યો છે. આ પેટાચૂંટણી પછી 2 જીલ્લા-તાલુકા પંચાયત, 70 નગરપાલિકા ઉપરાંત 7 હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ શકે છે. ચૂંટણી પંચ પણ પંચાયતોની ચૂંટણી યોજવા તૈયારી કરી રહ્યુ છે. જો પંચાયતોની ચૂંટણીઓ યોજાશે તો ગામડાઓમાં વહીવટદારનું શાસન સમાપ્ત થશે અને ફરી એકવાર ચૂંટાયેલી પાંખ પંચાયતોમાં શાસન કરશે.