UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ, વધુ એક પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ બાદ સરકારે લીધો નિર્ણય

શિક્ષણ વિભાગે 18 જૂન-2024ના રોજ દેશના વિવિધ શહેરોમાં યોજાનારી યુજીસી-નેટ જૂન 2024ની પરીક્ષા રદ કરી દીધી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) OMR (પેન અને પેપર) મોડમાં બે પાળીમાં પરીક્ષાનું આયોજન કર્યું હતું.

ગૃહમંત્રાલયને ઈનપુટ મળ્યા બાદ પરીક્ષા રદ કરાઈ

એનટીએએ દેશના વિવિધ શહેરોમાં 18 જૂન-2024થી બે પાળીમાં ઓએમઆર (પેન અને પેપર) મોડમાં યુજીસી-નેટ જૂન-2024ની પરીક્ષાનું આયોજન કર્યું હતું. જોકે ગૃહમંત્રાલયને પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદના ઈનપુટ મળ્યા બાદ પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પહેલા NEETની પરીક્ષામાં પણ છબરડાં સામે આવ્યા અને મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સૌથી મહત્ત્વની વાત એ છે કે, યુજીસી-નેટની જેમ નીટની પરીક્ષા પણ એનટીએ દ્વારા લેવામાં આવે છે.

સીબીઆઈને તપાસ સોંપાઈ

શિક્ષણ વિભાગે પરીક્ષાની પ્રક્રિયામાં પારદર્શિતાની ખાતરી કરવા માટે નિર્ણય લીધો છે કે, યુજીસી-નેટ જૂન 2023ની પરીક્ષા રદ કરવામાં આવશે. હવે નવેસરથી પરીક્ષાનું આયોજન કરી અલગથી માહિતી શેર કરવામાં આવશે. આ ઉપરાંત આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે.

11 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી

શિક્ષણ મંત્રાલયે કહ્યું કે, ‘નવેસરથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને તેની માહિતી અલગથી અપાશે. સરકાર પરીક્ષાની અખંડિતતાની ખાતરી કરવા માટે અને વિદ્યાર્થીઓના હિતની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે.’ ઉલ્લેખનીય છે કે, દેશભરના 317 શહેરોમાં, 1205 પરીક્ષા કેન્દ્ર પર યુજીસી નેટ પરીક્ષા જૂન-2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11,21,225 ઉમેદવારોએ ભાગ લીધો હતો. UGC-NET જૂન-2024ની પરીક્ષા 18 જૂને બે શિફ્ટમાં લેવાઈ હતી. પ્રથમ શિફ્ટનો સમય સવારે 9.30 કલાકથી બપોરે 12.30 કલાક અને બીજી શિફ્ટનો સમય બપોરે 3.00 વાગ્યાથી સાંજે 6.00 વાગ્યા સુધી હતો.

NEETની પરીક્ષામાં પણ વિવાદ

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસે પહેલા જ NEETની પરીક્ષાનો મુદ્દો ચગ્યો હતો અને આ પરીક્ષાનું આયોજન પણ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) દ્વારા કરાયું હતું, ત્યારે હવે NTAની વિશ્વસનીયતા પર સવાલો ઉઠી રહ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ પરીક્ષા-2024ના પરિણામો મુદ્દે પહેલીવાર એવા નિર્ણયો લીધા છે, જેના કારણે પરીક્ષામાં અનિયમિતતા મુદ્દે સવાલો ઉઠ્યા છે. નીટની પરીક્ષાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો, જેમાં NEET ના પરિણામ જાહેર થયા પછી દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ગ્રેસ માર્કસ મેળવનારા 1563 વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની રહેશે. અમે કાઉન્સેલિંગ બંધ નહીં કરીએ. તેના માટે સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરીને 2 સપ્તાહમાં જવાબ માંગ્યો છે. હવે આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે.