જામનગર જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ હસ્તકની શાળાઓમાં કન્યાઓને સ્વરક્ષણ તાલીમ માટેની યોજના રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ યોજનાના નામથી સરકાર દ્વારા દરવર્ષે આપવામાં આવે છે, ફરી એક વખત આ યોજના વિવાદમાં આવી છે અને ભૂતકાળમાં પણ બે વર્ષ પૂર્વે આ યોજનામાં જામનગરમાં ગોબાચારી સામે આવી હતી અને ગતવર્ષે આ તાલીમ જામનગર જીલ્લામાં મોકૂફ રાખવામાં આવી હતી ત્યારબાદ આ વર્ષે પણ આ યોજનાની અમલવારીને લઈને વધુ એક વખત વિવાદ થાય તો કોઈ નવાઈ નહી કારણ કે યોગ્ય પ્રક્રિયાઓ અનુસર્યા વિના જ આ તાલીમને મોડે મોડે માત્ર ત્રણ તાલુકોમાં જ શરુ કરવામાં આવી છે..ત્યારે નિયત સમયગાળામાં આ તાલીમ પૂરી તો નહિ જ થાય તે વાત નક્કી છે, કારણ કે જીલ્લાના છ તાલુકામાંથી માત્ર ત્રણ તાલુકામાં માંડ થોડી ઘણી તાલીમ શરુ થઇ છે તો જીલ્લાના અન્ય ત્રણ તાલુકાઓ અને જામનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની 26 શાળાઓની દીકરીઓને આવી તાલીમ મળશે કે કેમ તે પણ સવાલ છે.
તો બીજી તરફ આ કામગીરી પર અનેક શંકા કુશંકાઓ ઉપજતા ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરને પત્ર લખીને આ સેલ્ફ ડિફેન્સ તાલીમ સંદર્ભે ઉપસ્થિત થતા પ્રશ્નો નિવારવા અંગે લેખિત રજૂઆત કરવામાં આવતા આ વર્ષે પણ આ તાલીમ વિવાદમાં સંપડાઈ છે. સેલ્ફ ડિફેન્સ તાલીમ અંગેની ગ્રાન્ટ શાળા વ્યવસ્થાપન સમિતિને ફાળવવામાં આવે છે જ્યારે આ તાલીમ માટે પ્રશિક્ષકની પસંદગી કરવાની સત્તાઓ શાળાને મળતી નથી આથી જો ગ્રાન્ટ શાળાને ફાળવવામાં આવે તો તે અંગેની સત્તાઓ પણ શાળાઓને મળવી જોઈએ જેથી કોઈ વિવાદ થાય તો તેને નિવારી શકાય તે અંગેની લેખિત રજૂઆત નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવી છે. આ તાલીમ મોટાભાગના જિલ્લાઓમાં નવેમ્બરથી જાન્યુઆરી સુધીમાં પૂરા થવા જોઈતા હતા પરંતુ મોટાભાગના જિલ્લાઓમાં માર્ચ મહિના સુધી હાલતા હોય અને સમયગાળા દરમિયાન અભ્યાસક્રમની પૂર્તતા શિક્ષકોના તાલીમ કાર્યક્રમો સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ ઉનાળાનું વાતાવરણ શરૂ થયું હોય આ પરિસ્થિતિમાં તાલીમ ન થવી જોઈએ તેવું નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. સાથે જ દર વર્ષે એજન્સી નક્કી કરવા અંગેની સૂચનાઓ હોય છે પરંતુ આ માટે એજન્સીના રજીસ્ટ્રેશન અંગેની એજન્સીની માન્યતા અંગેની કોઈ કાયદાકીય જોગવાઈઓ સંદર્ભે ક્યારે સ્પષ્ટતા થતી નથી આથી સોસાયટી એક્ટ હેઠળ ટ્રસ્ટ એક્ટ હેઠળ કે ખાનગી પેઢી તરીકે કાર્ય કરતી કોઈપણ એજન્સીઓને અલગ અલગ જિલ્લાઓમાં કામ આપી દેવાના કારણે વિવાદ થવાની શક્યતા ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ વ્યક્ત કરી છે.
કોઇપણ સરકારી કામગીરી કરવાની હોય ત્યારે પારદર્શક રીતે વહીવટ થાય તે હેતુથી સરકાર હંમેશા ઝેમ પોર્ટલ દ્વારા ટેન્ડરીંગ કરીને જ કામગીરી સોંપવાની સરકારની પ્રાથમિકતા હોય છે.અને જો તેમાં શક્ય ન બને તો એજન્સીઓ બોલાવી અને અખબારમાં જાહેરાત આપવી અને ત્યારબાદ ત્રણ એજન્સીઓ સાથે વાત કર્યા બાદ જ કામગીરી સોંપવી તેવી સરકારની સ્પષ્ટ સૂચના છે.કારણકે ભૂતકાળમાં આ પ્રકારના અનેક કામોમાં સેટિંગ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થયેલા છે જેને લઈને સરકારી વિભાગો અનેક વખત શંકાના દાયરામાં આવી ચૂક્યા છે.ત્યારે વધુ એક વખત આ તાલીમ માટે સોંપાયેલી કામગીરી શંકાના દાયરામાં આવી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.વધુમાં જાણવા મળી રહ્યા મુજબ ઝેમ પોર્ટલ પર અથવા તો અલગ અલગ પાર્ટીઓને બોલાવી પસંદગી કરવાને બદલે એક જ પાર્ટીને આ કામગીરી સોંપવામાં આવી હોય વિવાદના એંધાણ સર્જાય તેવી ભીતિ પણ છે.
આ સમગ્ર પ્રક્રિયા અંગે જીલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી વિપુલ મહેતા માત્ર સુરક્ષા સેતુ સોસાયટી સાથે જોડાયેલ હોય તેવી એજન્સીને કામગીરી સોંપવા સિવાય કોઈ બાબતને અનુસરવા ના માગતા હોય હોય તેવો રાગાલાપ આપી રહ્યા છે અને ૮૦ ટ્રેનર સમગ્ર જીલ્લામાં ક્યારે તાલીમ ક્યારે પૂર્ણ કરાવશે તે પણ સવાલ છે.તો બીજી તરફ જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાશનાધિકારી ફાલ્ગુની પટેલે સ્પષ્ટ કર્યું કે આવી તાલીમ અમારી ૨૬ શાળામાં કરવાની હોય પણ આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે જામનગર મહાનગરપાલિકાને એજન્સી કે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કોઈ લેખિત જાણ જ કરવામાં ના આવતા આ તાલીમ શહેરની શાળાઓમાં શરુ થઇ નથી.
આમ હવે આ સ્વરક્ષણની તાલીમથી જામનગરમાં બે વર્ષ પૂર્વે થયેલ વિવાદોનું પુનરાવર્તન થશે તેવું લાગી રહ્યું છે. ત્યારે આ મામલે વધુ ઘેરો બને તે પૂર્વે જ સરકારના શિક્ષણ વિભાગે આ અંગે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ