Site icon Meraweb

વાવમાં ગેનીબેનનો ગઢ તૂટ્યો: ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે 2567 મતથી વિજય મેળવ્યો

વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં છેલ્લી ક્ષણ સુધી ચાલેલી રસાકસી બાદ ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત થઇ છે, જયારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત હારી ગયા છે. ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2567 મતે જીત થઇ છે. .

વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી છે. 23માં રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરે 2567 મતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને હરાવ્યા છે. 14 રાઉન્ડ સુધી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આગળ હતા. જોકે, 14 રાઉન્ડ પછી ભાજપના સ્વરૂપજી ઠાકોર સતત કોંગ્રેસની લીડ કાપતા જોવા મળ્યા હતા. 23માં અંતિમ રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરે અંતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને હરાવ્યા હતા.

આ ચૂંટણીમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત મેદાનમાં હતા જ્યારે ભાજપના બળવાખોર એવા માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠક પર સવા બે લાખ જેટલા મતો પડ્યાં હતા.

જાણો સ્વરૂપજી ઠાકોર વિશે 

સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ ઠાકોર સમાજના અગ્રણી છે અને ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સ્વરૂપજી ઠાકોર વર્ષ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને 48,634 મત મળ્યા હતા.

સ્વરૂપજી ઠાકોર વર્ષ 2022માં વાવ બેઠક પર યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે લડ્યાં હતાં. જેમા તેમની હાર થઈ હતી. ગેનીબેન ઠાકોરને 102513 મત મળ્યા હતા, જ્યારે સ્વરૂપજી ઠાકોરને 86912 મત મળ્યા હતા. એટલે કે સ્વરૂપજી ઠાકોર ગેનીબેન સામે 15,601 મતથી હારી ગયા હતા.