ODI વર્લ્ડ કપ 2023નો ઉત્સાહ ચરમ પર છે. ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગયા છે. સેમિફાઇનલ માટે એક જ સ્થાન બાકી છે, જેના માટે ત્રણ ટીમો રેસમાં છે. જ્યારે નેધરલેન્ડ, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમો ODI વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગઈ છે. આ એડિશનમાં એક એવું પરાક્રમ જોવા મળ્યું છે જે આ પહેલા ODI વર્લ્ડ કપમાં થયું ન હતું.
ઈંગ્લેન્ડ જીત્યું
ઈંગ્લેન્ડે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું. વર્તમાન વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની આ બીજી જીત છે. આ સાથે ઈંગ્લેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની આશા અકબંધ રાખી છે. ODI વર્લ્ડ કપમાં આ પ્રથમ વખત બન્યું છે કે તમામ ટીમોએ એક જ આવૃત્તિમાં ઓછામાં ઓછી બે મેચ જીતી હોય. આવો ચમત્કાર અગાઉ થયો ન હતો.
સ્ટોક્સે સદી ફટકારી હતી
નેધરલેન્ડ સામેની મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે સાચો સાબિત થયો હતો. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે શાનદાર બેટિંગ કરી હતી. તેણે તોફાની સદી ફટકારી હતી. તેણે 84 બોલમાં 108 રન બનાવ્યા જેમાં 6 ફોર અને 6 સિક્સર સામેલ હતી. આ સિવાય ડેવિડ માલાને 87 રન અને ક્રિસ વોક્સે 51 રનનું યોગદાન આપ્યું હતું. આ ખેલાડીઓના કારણે જ ઈંગ્લેન્ડની ટીમે 339 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.
મોટા ટાર્ગેટનો પીછો કરી રહેલી નેધરલેન્ડ માટે કોઈ પણ ખેલાડી સારુ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ટીમ માટે સ્કોટ એડવર્ડ્સે 38 રન, સાયબ્રાન્ડ એન્જેલબ્રેચટે 33 રન અને તેજા નિદામંગરુએ 41 રન બનાવ્યા હતા. નેધરલેન્ડની આખી ટીમ 179 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઈંગ્લેન્ડે 160 રનથી મેચ જીતી લીધી હતી. ODI વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની આ ત્રીજી સૌથી મોટી જીત છે. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલી અને આદિલ રાશિદે 3-3 વિકેટ લીધી હતી. સ્ટોક્સને તેની શાનદાર ઇનિંગ્સ માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની સૌથી મોટી જીત
202 વિ ભારત, 1975
196 વિ પૂર્વ આફ્રિકા, 1975
160 વિ નેધરલેન્ડ, 2023
150 વિ અફઘાનિસ્તાન, 2019
137 વિ બાંગ્લાદેશ, 2023