રાજકોટના અક્ષરમાર્ગ પર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં મોડી રાતે પોલીસ અને પરપ્રાંતીય ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગ થવાની ઘટના સામે આબિ છે. મધ્યપ્રદેશની ધાડપાડુ ગેંગે સોસાયટીને નિશાન બનાવી હતી. આથી, પોલીસને બાતમી મળતા પોલીસ આખો વિસ્તાર કોર્ડન કરી દીધો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
બાદમાં પોલીસ અને ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું. જેમાં એક આરોપી અને એક SOG PSI ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે બાતમીના આધારે રાજકોટ પોલીસે મિશન પાર પાડ્યું હતું. હાલમાં આ ધાડપાડુ ગેંગને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો કે, રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસથી અવારનવાર ફાયરિંગ થયાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે એકવાર ફરી એકવાર ફાયરિંગ થયાની ઘટના સામે આવતા ક્યાંક પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. કારણ કે થોડાંક દિવસો અગાઉ જ રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં પણ ફાયરિંગ થયું હતું. જેમાં એક કારખાનેદારને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. જે મામલે પોલીસે 6 શખ્સની ધરપકડ કરી હતી.
એ સિવાય સુરતના સરથાણા વિસ્તારમાં શ્યામધામ મંદિર નજીક થોડા દિવસ પહેલા હિરેન નામના કાપડના વેપારી પર ફાયરિંગની ઘટના સામે આવી હતી. બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમમાંથી એક ઇસમે પોતાની પાસે રહેલી ગન વડે હિરેન પર ફાયરિંગ કરી દીધું હતું. ત્યાર બાદ આ ઈસમો ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે પોલીસે અનિલ કાકડીયા નામના એક ઈસમની ધરપકડ કરી લીધી હતી. અનિલે પોલીસની પૂછપરછમાં કબુલાત કરી હતી કે, ભોગ બનનાર હિરેન તેની પત્નીને ત્રાસ આપતો હોવાને લઈ તેને બે ઈસમો પાસે આ કામ 60,000 રૂપિયા આપીને કરાવ્યું હતું.