ઉત્તરી ઈરાકના હમદાનિયા શહેરમાં લગ્ન સમારોહમાં આગ લાગવાથી લગભગ 100 લોકોના મોત થયા હતા અને 150 લોકો ઘાયલ થયા હતા. નિનેવેહ પ્રાંતના આરોગ્ય અધિકારીએ આ ઘટના અંગે માહિતી આપી હતી. હમદાનિયા એ મોસુલની પૂર્વમાં સ્થિત એક ખ્રિસ્તી શહેર છે.
આ ઘટનામાં ઘાયલ લોકોને હમદનિયાની મુખ્ય હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ડઝનબંધ લોકો રક્તદાન કરવા માટે એકઠા થયા હતા. કેટલાક લોકો રેફ્રિજરેટેડ ટ્રકના દરવાજા પર કાળી બેગ લઈને જતા જોવા મળ્યા હતા.
સિવિલ ડિફેન્સ ઓથોરિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગ અત્યંત જ્વલનશીલ અને ઓછી કિંમતની બાંધકામ સામગ્રીના ઉપયોગને કારણે લાગી હતી અને આગને કારણે છતનો એક ભાગ પણ તૂટી પડ્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ લગ્ન સમારંભ દરમિયાન ફટાકડાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે હોલમાં આગ લાગી હતી. ઈરાકમાં સુરક્ષાના નામે બાંધકામ અને પરિવહન ક્ષેત્રની અવગણના કરવામાં આવે છે, જેના કારણે અવારનવાર આગની ઘટનાઓ બને છે.