ભારતીય ફુટબોલ પર આવેલું સંકટ સમાપ્ત થઈ ગયું છે. ફીફાએ ઓલ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશન (AIFF) પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી દીધો છે. આ સાથે ભારતને ફરી અન્ડર-17 મહિલા વિશ્વકપ 2022ની યજમાની સોંપી દીધી છે. ફુટબોલને સર્વોચ્ચ સંસ્થા ફીફાએ આ માહિતી આપી છે. ઓલ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશનની કાર્યકારી સમિતિ દ્વારા દૈનિક મામલા પર પૂર્ણ નિયંત્રણ હાસિલ કર્યા બાદ ફીફાએ આ નિર્ણય લીધો છે. ફીફા અને એએફસી એઆીએફએફમાં પરિસ્થિતિઓ પર નજર રાખશે અને સમય પર ચૂંટણી કરાવવામાં ફુટબોલ ફેડરેશનનું સમર્થન કરશે.
સુપ્રીમ કોર્ટે સોમવારે ઓલ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશનના કામકાજનું સંચાલન કરનારી ત્રણ સભ્યોની સમિતિને ભંગ કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે કોર્ટે આદેશ આપ્યો હતો કે એઆઈએફએફનું રૂટિન કામકાજ કાર્યવાહક મહાસચિવ સંભાળશે. સાથે કોર્ટે એઆઈએફએફની કાર્યકારી સમિતિની રચનાનો પણ નિર્ણય કર્યો હતો. આ સમિતિમાં 23 સભ્યો હશે જેમાં 6 ખેલાડી (બે મહિલા ખેલાડી) હશે. એટલું જ નહીં કોર્ટે 28 ઓગસ્ટે યોજાનારી ચૂંટણીને પણ એક સપ્તાહ સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો, જેથી મતદાતા લિસ્ટમાં ફેરફાર અને ઉમેદવારીની શરૂઆત થઈ શકે.