પંજાબના ખેડૂતોની ‘દિલ્હી ચલો’ માર્ચ પહેલાં પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે, જેના ભાગરૂપે દિલ્હીની તમામ સીમાઓની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. આ માર્ચની શરૂઆત શુક્રવારથી થઈ છે. નિર્ધારિત માર્ચના કારણે ઘણાં વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી છે, કારણકે સીમા અને મધ્ય દિલ્હીમાં તપાસ માટે મોટી સંખ્યામાં સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતાં. વરિષ્ઠ પોલીસ અધિકારીના સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસ એલર્ટ પર છે અને શહેરની સીમાઓની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. સિંધુ બોર્ડર પર પણ મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તૈનાત કરી દેવાયા છે. પરંતુ, પંજાબ-હરિયાણા સીમા પર શંભૂ બોર્ડરની સ્થિતિ અનુસાર આ સુરક્ષા દળોની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે.
અંબાલામાં BNSSની કલમ 163 લાગૂ
અધિકારીના જણાવ્યા અનુસાર, પોલીસ નોઇડા સીમા પર નજર રાખી રહી છે, જ્યાં ઉત્તર પ્રદેશના ખેડૂતોનું અન્ય એક સમૂહ ધરણા પર બેઠું છે. અંબાલામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની ધારા 163 હેઠળ (IPC ની કલમ 144) હેઠળ પ્રતિબંધિત આદેશ હોવા છતાં, 100થી વધારે ખેડૂતો શુક્રવારે શંભુ સરહદથી દિલ્હી પગપાળા કૂચ શરૂ કરવા માટે તૈયાર છે. જેમાં પાંચથી વધારે વ્યક્તિઓની કોઈપણ ગેરકાયદેસર સભાને પ્રતિબંધિત કરવામાં આવી છે.
ઇન્ટરનેટ સર્વિસ બંધ
અંબાલામાં 9 ડિસેમ્બર સુધી ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આી છે. અંબાલામાં DC એ પોતાના આદેશ સુધી પગપાળા, ગાડી અથવા બીજા માધ્યમથી કોઈપણ સરઘસ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ દરમિયાન, ખેડૂત આંદોલનના કારણે સત્તાવાર આદેશ બાદ આજે અંબાલામાં તમામ સરકારી પ્રાઇવેટ સ્કૂલ પણ બંધ કરી દેવામાં આવી છે.
આ પહેલાં ગુરૂવારે પંજાબના DIG (પટિયાલા રેન્જ) મંદીપ સિંહ સિદ્ધુ અને SSP (પટિયાલા) નાનક સિંહે શંભૂ બોર્ડર પર પંઢેર અને સુરજીત સિંહ ફુલ સાથે મુલાકાત કરી હતી. સિદ્ધુએ કહ્યું કે, ખેડૂતોએ પોલીસને આશ્વાસન આપ્યું છે કે, તેઓ શાંતિ જાળવી રાખે અને માર્ચમાં ટ્રેક્ટર-ટ્રોલીઓ સામેલ નહીં કરે.
સિંધુ બોર્ડર પર કડક સુરક્ષા
દિલ્હી તરફ માર્ચ કરી રહેલાં ખેડૂતોને રોકવા માટે સિંધુ બોર્ડર પર વૉટર કેનન અને કોંક્રીટના બેરિકેટ લગવવામાં આવ્યા છે. હરિયાણા બોર્ડર પર મલ્ટી લેયર બેરિકેડિંગની સાથે કેન્દ્રીય અર્ધસૈનિક દળ પણ તૈનાત કરવામાં આવ્યા છે. નેશનલ હાઈવે-44 પર શંભૂ બોર્ડર- રાજપુરા (પંજાબ)-અંબાલા (હરિયાણા)- પર પહેલાંથી જ મલ્ટી લેયર બેરિકેડિંગ કરવામાં આવી છે. જોકે, ડ્યુટી પર તૈનાત પોલીસ અને અન્ય લોકો સેવકોને પ્રતિબંધોથી છૂટ આપવામાં આવશે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, તે સિંધુ બોર્ડર પર કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.