ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ વચ્ચે રાજકોટથી એક ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં એક 4 વર્ષની બાળકી સાથે તેની ઉંમરથી 88 વર્ષ મોટા એટલે કે 92 વર્ષના હવસખોર વૃદ્ધે શારીરિક અડપલાં કર્યા છે. આ બનાવ શહેરના રેલનગરમાં બન્યો છે. ઘટનાની જાણ થતા પોલીસે આ હવસખોર વૃદ્ધની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે પોલીસ આગામી 3થી 4 દિવસમાં ચાર્જશીટ રજૂ કરશે.
ગુજરાતમાં દરરોજ 6 મહિલાઓ પર બળાત્કાર : NCRB
ગુજરાતની વાત કરીએ તો અહીં દરરોજ 6 મહિલાઓ પર બળાત્કાર થાય છે. છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં બળાત્કારની કુલ 6524 ઘટનાઓ બની છે, જ્યારે તેમાંથી 95 ગેંગ રેપના છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં મહિલાઓ સામે છેડતી, હુમલો, હત્યા, બળાત્કાર અને ઘરેલુ હિંસાના કેસ સતત વધી રહ્યા છે. દર વર્ષે મહિલાઓ પર અત્યાચારના 7 થી 8 હજાર કેસ પોલીસ ડાયરીમાં નોંધાય છે. આના કરતાં પણ મોટા ભાગના કેસ નોંધાયા વિના જ બને છે. ગુજરાતમાં વર્ષ 2020-21માં 2076 બળાત્કાર, 2021-22માં 2239, 2022-23માં 2209 બળાત્કાર થયા હતા.
વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર, બળાત્કારના 194 ગુનેગારો હજુ પકડવાના બાકી છે, જેમાંથી 67 આરોપીઓ છેલ્લા 6 મહિનાથી ફરાર છે. 63 આરોપીઓ એક વર્ષથી અને 64 આરોપી બે વર્ષથી પોલીસથી નાસી છૂટ્યા છે. આ સંજોગોમાં આપણે કેવી રીતે કહી શકીએ કે ગુજરાત સુરક્ષિત છે? મહિલાઓ સુરક્ષિત છે.