30-40% સિટિંગ કોર્પોરેટરોની ટિકિટ જોખમમાં, ભાજપમાં હાઈ લેવલ લોબિંગ તેજ – બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર “લાલ જાજમ” પાથરવાનો આરોપ, રાજકીય નૈતિકતા પર ઉઠ્યા સવાલો
જામનગર શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ દિવસેને દિવસે વધુ ગરમાતો જઈ રહ્યો છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગીને લઈને ભારે ખેંચતાણ અને હાઈ લેવલ લોબિંગ ચાલી રહ્યું છે, તો બીજી તરફ વિરોધ પક્ષો પણ પોતાના ઉમેદવારો જાહેર કરી રાજકીય સમીકરણો ગોઠવવામાં વ્યસ્ત બન્યા છે.
ભાજપમાં જ્યાં ગત ટર્મના લગભગ 30 થી 40 ટકા કોર્પોરેટરોની ટિકિટ કાપવાની ચર્ચાઓ તેજ બની રહી છે અને “પરફોર્મન્સ આધારિત પસંદગી” પર ભાર મૂકાઈ રહ્યો છે, ત્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની પસંદગી પ્રક્રિયા પર પ્રશ્નચિન્હો ઊભા થયા છે.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા જોર પકડી રહી છે કે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ઉમેદવારો પસંદ કરતી વખતે સ્વચ્છ છબી કરતા જીતવાની ગણિતને વધુ મહત્વ આપ્યું છે. અનેક વિસ્તારોમાં વિવાદાસ્પદ અને દાગી છબી ધરાવતા લોકોને ટિકિટ આપવાના નિર્ણયો ચર્ચાનો વિષય બન્યા છે.વિશ્લેષકોના મત અનુસાર, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનું નિર્ણય “લાલ જાજમ પાથરવા” જેવું માનવામાં આવી રહ્યું છે, જે રાજકીય નૈતિકતાને લઈને સવાલો ઉભા કરે છે. જામનગરમાં હવે ત્રણ ગુજસીટોકના આરોપી , એક એસીબી થયેલ ઉમેદવાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મેદાને ઉતાર્યા છે.જનતા વચ્ચે પણ આ મુદ્દે ચર્ચા તેજ બની રહી છે કે શું પક્ષો સ્વચ્છ રાજકારણના દાવા સાથે વિસંગત પગલાં ભરી રહ્યા છે?
એક તરફ ભાજપ પોતાની અંદરની ગોઠવણ અને પ્રદર્શનના આધારે કડક નિર્ણયો લેવાની તૈયારીમાં છે, ત્યારે બીજી તરફ વિરોધ પક્ષોની આ પ્રકારની પસંદગી તેમને રાજકીય રીતે ફાયદો પહોંચાડશે કે નુકસાન કરશે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે જામનગરની મહાનગરપાલિકા ચૂંટણી હવે માત્ર મતદાન પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ પ્રતિષ્ઠા, છબી અને રાજકીય નૈતિકતાની લડાઈ તરીકે પણ જોવામાં આવી રહી છે.

