પાકિસ્તાનની મિસાઇલ પરીક્ષણ કરતા દરમીયાન પાકિસ્તાનની જ હદમાં પડતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. પાકિસ્તાનમાં સિંધ પ્રાંતના જમશોરાના આકાશમાં ગુરુવારે બપોરે અંદાજે ૧૨ વાગ્યે કોઈક અજ્ઞાાત વસ્તુ દેખાતા સ્થાનિક લોકોમાં કૂતુહલ સર્જાયું હતું. તેમનું કહેવું હતું કે તે એક રોકેટ અથવા મિસાઈલ જેવું કંઈક હતું. આ એક મિસાઈલ હતી, જે પાકિસ્તાને સિંધના જમશોરા ખાતે તેની મિસાઈલ પરિક્ષણ ટેસ્ટ રેન્જથી છોડી હતી, પરંતુ તે માર્ગ બદલીને પાકિસ્તાનમાં જ પડી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતે ૯મી માર્ચે મિસાઈલ ટેસ્ટિંગ કરતા ટેકનિકલ ખામીના લીધે તે ભૂલથી પાકિસ્તાનમાં પડી હતી. પાકિસ્તાને આ અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હોબાળો મચાવ્યો છે. જોકે, ભારતને જવાબ આપવા માટે પાકિસ્તાન પણ મિસાઈલ ટેસ્ટિંગ કરવા ગયું હતું, પરંતુ તે સદંતર નિષ્ફળ ગયું હતું. પરિણામે તેણે આ અંગે સત્તાવાર નિવેદન કરવાનું પણ ટાળ્યું હતું.
પાકિસ્તાને ગુરુવારે સિંધ ખાતે તેની ટેસ્ટ રેન્જમાં મિસાઈલનું ટેસ્ટિંગ કર્યું હતું. આ ટેસ્ટિંગ પહેલાં સવારે ૧૧ કલાકે થવાનું હતું, પરંતુ તેના ટ્રાન્સપોર્ટર ઈરેકટ લોન્ચર (ટીઈએલ)માં ટેકનીકલ ખામીને કારણે તેમાં વિલંબ થયો હતો અને ટેસ્ટિંગ એક કલાક પાછું ઠેલાયું હતું. આમ, પાકિસ્તાને ૧૨ કલાકે મિસાઈલ લોન્ચ કરી હતી.જોકે, મિસાઈલ લોન્ચ થયાની કેટલીક મિનિટોમાં જ તેના નિર્ધારીત માર્ગ પરથી ફંટાઈને નીચે પડતી દેખાઈ હતી અને સિંધમાં થાણા બુલા ખાન નજીક તુટી પડી હતી.
આ ઘટના બાબતે કેટલીક સ્થાનિક ટીવી ચેનલોએ માહિતી આપી હતી. જો કે કોઈ સત્તાવાર નિવેદન જારી કરાયું નહોતું. પાકિસ્તાનની એક ન્યુઝ એજન્સીએ ટ્વીટ કર્યું હતું કે ભારતના બ્રહ્મોસ મિસાઈલના પ્રતિસાદ રૂપે પાકિસ્તાને જમશોરોમાં મિસાઈલ ટેસ્ટિંગ કર્યુ ંહતું, પણ તે નિશ્ચિત લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળ નીવડી હતી અને નજીકના વિસ્તારમાં તુટી પડી હતી.
જો કે પાકિસ્તાનના સ્થાનિક પ્રશાસને મિસાઈલ ટેસ્ટ કરાઈ હોવાનો ઈન્કાર કરતા જણાવ્યું કે નજીકની રેન્જમાંથી નિયમિત મોર્ટાર ટ્રેસર રાઉન્ડ ફાયર કરાયો હતો. પણ નિષ્ણાતોનું કહેવું છે કે મોર્ટારની મહત્તમ રેન્જ ૫ કિ.મી. હોય છે એથી તે આટલું ઊંચે ઉડે તે બાબત શક્ય નથી. પાકિસ્તાનના સંરક્ષણ વિશ્લેષકોએ જણાવ્યું કે આ બાબતે કોઈ ગભરાટ ફેલાવાની જરૂર નથી.
તેમણે દાવો કર્યો હતો કે મિસાઈલ ટેસ્ટિંગ બાબતે ટુ એરમેન (નોટામ)ને નોટિસ જારી કરાઈ હતી અને સંબંધિત એરલાઈન્સને પણ તેની સૂચના આપવામાં આવી હતી. નોટામ સાથે મિસાઈલના નિર્ધારીત પથનો નકશો પણ જોડાયો હતો, જોકે, મિસાઈલે તેનો માર્ગ છોડી દીધો હતો અને તે પાકિસ્તાનમાં જ પડી હતી.

