રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ-2 ના નેજા હેઠળ જુદા જુદા આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કરાયા છે. જે આંદોલનાત્મક કાર્યક્રમોના ભાગરૂપે આગામી તારીખ 2જી મે ના દિવસે જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવા માટેની જાહેરાત કરવામાં આવી હતી.
દરમ્યાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગરના પ્રદર્શન મેદાનમાં તારીખ 2જી મેના સાંજે જાહેર સભા યોજાઈ રહી છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે મોટો પોલીસ કાફલો બંદોબસ્તમાં જોડાયેલો રહ્યો હોવાથી ક્ષત્રિય સમાજના સંમેલનના તારીખ અને સમયમાં ફેરફાર કરવા માટે જામનગરના જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા તેમજ એસ.પી. પ્રેમસુખ ડેલુ સાથે અગત્યની બેઠક યોજાઇ હતી, જે બેઠકમાં આખરે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન તારીખ 2-5-2024 ના બદલે 3-5-2024 સાંજે યોજવાનું નક્કી કરાયું છે.