ડી. એચ.મૂંગરા ધ્રોલ કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાના “૭૩મા વન મહોત્સવ” ની ઉજવણી કરાઇ

district-level-73rd-forest-festival-celebrated-at-d-h-moongra-dhrol-kanya-vidyalaya

આપણી ધરતીને વૃક્ષો વાવી હરિયાળી બનાવવી જોઈએ : ધરમશીભાઈ ચનિયારા

જામનગર તા.૧૨ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ડી. એચ. મૂંગરા ધ્રોલ કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાના “૭૩ મા વન મહોસત્વ” ની ઉજવણી જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મહાનુભાવોનું વૃક્ષો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા વૃક્ષોનું મહત્વ સમજાવતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. અને શ્રેષ્ઠ કામગીરી કરેલ વન વિભાગના અધિકારીઓનું સન્માન તેમજ વનરક્ષકોએ કરેલ શ્રેષ્ઠ કામગીરી બદલ મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાએ જણાવ્યું હતું કે પ્રજાજનોના સહકારથી આપણે સૌ એ સાથે મળીને આપણી ધરતીને, વૃક્ષો વાવી હરિયાળી બનાવવી જોઈએ. વૃક્ષોએ આપણાં જીવનમાં હમેશા મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે, વૃક્ષો આપણને ઘાસચારો, બળતણ તેમજ અનેક પેદાશો પૂરી પાડે છે. જીવસૃષ્ટિ જોખમમાં ન મૂકાય અને પ્રકૃતીની જાળવણી થાય તે માટે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા રાજ્યમાં સામાજિક વનીકરણની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજનાઓ દ્વારા રસ્તાની બાજુઓ પર તેમજ અન્ય ઉપલબ્ધ જમીનોમાં મોટા પ્રમાણમાં વૃક્ષો ઉછેરવામાં આવે છે. પડતર જમીનનો વૃક્ષોના વાવેતર માટે ઉપયોગ થઈ શકે તે માટે વન વિભાગ દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ રોપાઉછેર કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત” સૂત્રને સાકાર કરીને આપણે સૌએ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને તેનો ઉછેર કરી પ્રકૃતિની જાળવણી કરવી જોઈએ.

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રોપા ઉછેર કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે. જેના ભાગરૂપે જામનગર, દ્વારકા અને પોરબંદરના લોકોને રોપાઓ સરળતાથી મળી રહે તે માટે સામાજિક વનીકરણ વિભાગ દ્વારકા- ખંભાળિયા તરફથી ચાલુ વર્ષ દરમિયાન વિવિધ જાતના ૩૪.૯૦ લાખ રોપાઓ જિલ્લાના વિવિધ રોપ ઉછેર કેન્દ્રમાં તૈયાર કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, નાયબ વન સંરક્ષક આર ધનપાલ, જિલ્લા પંચાયતના સભ્ય મનસુખભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગીતાબા જાડેજા, શ્રીમતી જયશ્રીબેન, તાલુકા વિકાસ અધિકારી બ્રિજેશભાઈ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર. ડી. જાદવ, દક્ષાબેન સોરઠિયા, મનસુખભાઈ, મામલતદાર ઝાપડા, નવલભાઈ, શ્રી સમીર શુક્લ, શ્રી એમ. ડી. બડીયાવદરા, રસિકભાઈ ભંડેરી, બી. એમ. કરમૂર, શાળાના આચાર્ય અલ્પાબેન, પ્રવીણાબેન, શાળાના સંચાલકઓ, શાળાની વિદ્યાર્થીનીઓ તેમજ મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.