નેટફ્લિક્સની ‘ધ ગ્રે મેન’ની ટિમ હાલ પ્રમોશનલ ટૂર માટે ભારતમાં છે. આ ફિલ્મ Netflix પર રિલીઝ થઈ રહી છે,તેમાં રયાન ગોસલિંગ, ધનુષ અને ક્રિસ ઈવાન્સ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. જેના માટે રુસો બ્રધર્સ દ્વારા આમિર ખાનને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ સાથે લાલ સિંહ ચઢ્ઢા નજીકના સમયમાં રિલીઝ થવા જઇ રહી છે. જેના કારણે આમિરનું શેડ્યૂલ પણ ખૂબ જ ચુસ્ત છે. આવી સ્થિતિમાં તે ફિલ્મના પ્રીમિયરમાં પોતાની હાજરી આપી શક્યો નહોતો. માટે તેણે ધી ગ્રે મેનની ટીમ માટે આહ્લાદક આયોજન કર્યું હતું.તે દરમિયાન આમિરે રુસો બ્રધર્સ અને ધનુષને નેટફ્લિક્સના ‘ધ ગ્રે મેન’ ના સમગ્ર ક્રૂ સાથે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. જેમાં કિરણ રાવે પણ હાજરી આપી હતી.
ગુજરાતી ફૂડના ખૂબ જ શોખીન આમિર ખાને પોતાના ઘરે શાનદાર ગુજરાતી ડિનરનું આયોજન કર્યું હતું, જેમાં તેણે સ્ટાર માટે સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ તૈયાર કરવા માટે બહારથી શ્રેષ્ઠ શેફને આમંત્રિત કર્યા હતા.આમિર ખાન ઇચ્છતા હતા કે રુસો બ્રધર્સ પરંપરાગત ગુજરાતી વિશિષ્ટ વાનગીઓનો સ્વાદ માણે.આ સાથે મહેમાનોને શુદ્ધ ગુજરાતી ભોજન જમાડવા માટે આમિર ખાને ગુજરાતના અલગ અલગ ભાગોમાંથી પરંપરાગત વાનગીઓ રાંધવામાં નિષ્ણાત રસોઇયાઓને આમંત્રિત કર્યા હતા. જેમાં સુરતના રસોઇયા પાપડ લુવા પટોડી, તુવર લિફાફા અને કાંદ પુરી બનાવવામાં નિષ્ણાત હતો. આ સાથે ફાફડા અને જલેબી માટે સુરેન્દ્રનગરથી અને સુતરફેણી માટે ખંભાતનો રસોઇયાને પણ બોલાવામાં આવ્યા હતા.