Site icon Meraweb

દેવભૂમિમાં દાદાગીરીનું દહેશતનામું : ઓટીઝમગ્રસ્ત બાળકી સાથે ડોક્ટર દંપતીને પોલીસ-તંત્રએ રાતભર રંઝાડ્યા !

દ્વારકાના જગતમંદિર વ્યવસ્થાપન કચેરી સાથે સંકળાયેલા કર્મચારી મનસુખ પાઢએ ગત 20 એપ્રિલે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ડો. વિવેક શુક્લ અને તેમની પત્ની ડો. શ્રીલેખા મંદિર બંધ થવાનો સમય થયા બાદ બહાર નીકળવા બાબતે સુરક્ષા કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી અને હોદ્દાનો રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ફરિયાદના આધારે દ્વારકા પોલીસે ડોક્ટર દંપતીને તેમની બાળકી સહિત પોલીસ સ્ટેશન લઈ જઈ કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં રાત્રિના સમયે તેમને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી મુક્ત કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન જેમ તેમ મુદ્દાઓ એકત્રિત કરી ફરિયાદ નોંધાવવામાં આવી હોવાના અને ફરિયાદમાં પૂરતો તથ્ય આધાર ન હોવાના આક્ષેપો હવે ચર્ચાનો વિષય બન્યા છે.

દ્વારકાના જગતમંદિરમાં બનેલું આ સમગ્ર પ્રકરણ હવે માત્ર એક “સામાન્ય બોલાચાલી”નો મુદ્દો રહ્યો નથી, પરંતુ તંત્રની તુમાખી, પોલીસીયા દાદાગીરી અને માનવતાને પગતળીયા કચડતી વહીવટી માનસિકતાનો જીવતો દાખલો બની ગયું છે. એક ઓટીઝમગ્રસ્ત બાળકી સાથે આવેલા ડોક્ટર દંપતીને જે રીતે ગુનેગારની જેમ ખેંચી પોલીસ સ્ટેશને બેસાડવામાં આવ્યા, તે ઘટના હવે દેવભૂમિ દ્વારકાના વહીવટી તંત્રના ચહેરા પરથી સંવેદનાનો નકાબ ઉતારી રહી છે.

સવાલ એ છે કે આખરે એટલી કઈ આફત આવી પડી હતી કે મંદિર બંધ થવાની સામાન્ય બોલાચાલી બાદ પોલીસ સ્ટેશનમાં રાત્રોરાત ગુનો દાખલ થઈ ગયો…? સામાન્ય નાગરિકોની અરજી લેવા પણ ટાળતી પોલીસ અહીં વીજગતિએ FIR નોંધે છે, અને એ પણ એવી વ્યક્તિને ફરિયાદી બનાવીને જે ઘટના સ્થળના ચિત્રમાં જ ક્યાંય દેખાતી નથી…? આ ઉતાવળ પાછળનો “અદૃશ્ય દબાણ” હવે ચર્ચાનો વિષય બન્યો છે.

જો ખરેખર ગુનો ગંભીર હતો તો પછી ડોક્ટર દંપતીને લોકઅપમાં કેમ ન રાખવામાં આવ્યા…? રેગ્યુલર જામીનની કાર્યવાહી કેમ ન થઈ…? અને જો ગુનો એટલો નબળો હતો કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી રવાના કરી દેવાયા, તો પછી આખી રાત્રે પરિવારને પોલીસ સ્ટેશનમાં બેસાડવાની ક્રૂરતા શા માટે…? આ સવાલો હવે માત્ર જનતા નહીં, પરંતુ કોર્ટ અને માનવ અધિકાર આયોગ પણ ઉઠાવી રહ્યા છે.

સૌથી શરમજનક બાબત તો એ છે કે પરિવાર વારંવાર બાળકી ઓટીઝમગ્રસ્ત હોવાની વિનંતી કરતો રહ્યો છતાં પોલીસ અને તંત્રનું હૃદય પિગળ્યું નહીં. ફરિયાદ મુજબ પાણી સુધી ન આપવું, માતા-પિતા સાથે અભદ્ર ભાષામાં વર્તન કરવું, ઝાપટો મારવાના આક્ષેપો — આ બધું સાંભળીને પ્રશ્ન થાય કે શું દેવભૂમિનું તંત્ર હવે કાયદાથી નહીં પરંતુ અહંકારથી ચાલે છે…? શું પોલીસ સ્ટેશન “ન્યાયનું સ્થાન” નહીં પરંતુ “માનસિક યાતનાગૃહ” બની ગયું છે…?

આ સમગ્ર ઘટનામાં મંદિર વ્યવસ્થાપન સમિતિની ભૂમિકા પણ હવે સવાલોના ઘેરામાં છે. ગેરહાજર કર્મચારીને ફરિયાદી બનાવવાનો નિર્ણય કોણે લીધો…? પોલીસ સ્ટેશને વહીવટદારની તાત્કાલિક હાજરી પાછળનું કારણ શું હતું…? શું સમગ્ર ઘટનાને પ્રભાવ અને પદના દમ પર વાળવાનો પ્રયાસ થયો…? આ સવાલો હવે ખુલ્લેઆમ લોકોના મોઢે ચઢ્યા છે.

ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે દ્વારકા જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક અને મંદિર ટ્રસ્ટને નોટિસ ફટકારી છે, તે જ પોતે દર્શાવે છે કે મામલો સામાન્ય નથી. કોર્ટ તપાસ શરૂ થતાં હવે અનેક એવા રેકોર્ડ અને હકીકતો બહાર આવી શકે છે, જેને અત્યાર સુધી દબાવી રાખવાનો પ્રયાસ થતો રહ્યો હતો.દેવભૂમિ દ્વારકા જેવી પવિત્ર ધરતી પર જો એક ડોક્ટર પરિવાર પોતાની વિશેષ જરૂરિયાત ધરાવતી બાળકી સાથે સુરક્ષા, સંવેદના અને સન્માન ન મેળવી શકે, તો પછી સામાન્ય યાત્રીની સ્થિતિ શું હશે…? તંત્રએ હવે સમજવું પડશે કે ખાખી અને હોદ્દો “સેવા” માટે હોય છે, “સત્તાનો નશો” બતાવવા માટે નહીં.આ સમગ્ર પ્રકરણ હવે માત્ર એક FIRનો મુદ્દો નથી — આ તંત્ર સામે માનવતાનો કેસ છે.