જામનગર બાગાયત વિભાગ દ્વારા મળેલી સહાય થકી પાકનું પ્રોસેસિંગ, કટિંગ અને અન્ય ખર્ચ નહિવત બન્યા છે.” : ખેડૂત ભાવેશભાઈ નંદા

પ્રાકૃતિક આભૂષણોથી ભરપુર જામનગર જિલ્લાના ખેડૂતોએ હવે મક્કમ નિર્ધાર કર્યો છે કે, રાસાયણિક ખાતરોના દુષ્પ્રભાવથી જળ- જમીન અને ખોરાકને બચાવવા છે. આ વાતની પ્રતીતિ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ તરફ પુનઃ પ્રયાણ કરતા યુવા ખેડૂતોને જોઈને થઈ રહી છે. જામનગર તાલુકામાં આવેલ દડીયા ગામના ખેડૂત શ્રી ભાવેશભાઈ નંદા પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. જેને પગલે આજે તેમને મબલક ઉત્પાદન મળે છે અને તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે. ભાવેશભાઈને બાગાયત વિભાગ તરફથી સહાય પ્રાપ્ત થઈ છે. જેને પગલે તેમનો ખર્ચ ઘણો નહિવત બની ગયો છે.

ભાવેશભાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 2019 થી હું ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરું છું. જેના પગલે મેં આગળ જતા ભૂમિ પ્રાકૃતિક ફાર્મની સ્થાપના કરી છે. હું ઓર્ગેનિક પદ્ધતિથી નિર્મિત ખેત પેદાશો, અનાજ, કઠોળ વગેરેનું વેચાણ કરું છું. જેનો મને લોકો તરફથી સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. હું વોટસએપ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમો થકી ગ્રાહકો સુધી પહોંચી શકયો છું. હાલમાં અમારો મુખ્ય પાક હળદર છે. અમે હળદરને પીસીને તેનો પાવડર બનાવીએ છીએ અને તેનું વેચાણ કરીએ છીએ. હળદરનો પાવડર બનાવવા માટે હું પ્રોસેસિંગ પ્લાન્ટનો ઉપયોગ કરું છું.

નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જામનગરના સહયોગ થકી અમને હળદરના પ્રોસેસિંગ યુનિટ માટેની સહાય આપવામાં આવી છે. મને રુ. 94695 ની સહાય પ્રાપ્ત થઈ છે. સહાય મળવાના લીધે હળદરનું પ્રોસેસિંગ ખુબ સરળ બન્યું છે અને સમય, શ્રમ અને નાણાંની બચત થઈ છે.આમ, જામનગર જિલ્લાના ખેડૂતો હવે એક ડગલું આગળ વધી રાસાયણિક ખાતરો- દવાઓના ઉપયોગથી દૂર થઈ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને બાગાયત વિભાગના સહયોગ થકી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવીને લાભાન્વિત બની રહ્યા છે.