જામનગર તા. પ
જોડિયા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તા.પં.ની કારોબારીના સભ્યોની વરણી કરવાની હતી. જે માટે જામનગર જિલ્લા ભાજપ દ્વારા તા.પં.ના ભાજપના તમામ સભ્યોને નવ સભ્યોના નામ જોગ કારોબારીના સભ્યો તરીકે પસંદગી કરવા મેન્ડેટ મોકલવામાં આવ્યો હતો.
પરંતુ આ મેન્ડેટનો ભાજપના જ સભ્યોએ ઉલાળિયો કરી દીધો હતો. આ સભ્યોના જણાવ્યા પ્રમાણે જિલ્લા નેતાગીરીએ મોકલાવેલા નામ અમોને મંજુર નથી. ત્યારપછી મેન્ડેટનો વિરોધ કરનારા સભ્યોએ અન્ય નવ સભ્યોની કારોબારીની રચના કરી નાખી છે.
આમ જોડિયા તાલુકા પંચાયતમાં શાસક ભાજપમાં અંદરોઅંદરનો વિવાદ હવે સપાટી પર આવી ગયો છે, જો કે જિલ્લા ભાજપ દ્વારા શિસ્તભંગના પગલાં લેવા માટે કમલમ સુધી જાણ કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાક્રમ પાછળ જિલ્લા પંચાયતના એક પૂર્વ ઉચ્ચ પદાધિકારીના કાવાદાવા કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રદેશ નેતાગીરી આ મામલે કોની સામે કેવા પગલાં ભરે છે તે જોવાનું રહ્યું!

