ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં હોય એટલે વચનોની લ્હાણી થાય તે સ્વાભાવિક વાત છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં વચનો તો પાર્ટી આપે છે પરંતુ તેમાં આગળ ઉમેરાઇ ગયુ છે ‘ફ્રી’. જી, હા જનતાની પ્રાથમિક જરૂરિયાતો ગણાતી કેટલીક સુવિધાઓને અમે સત્તા પર આવીશુ તો ફ્રીમાં આપીશુ તેવી જાહેરાતો કરવામાં આવે ત્યારે હવે ગુજરાત કોંગ્રેસે પણ જનતાને આવા વચનોની લ્હાણી કરી..
મહત્વનું છે કે આમ આદમી પાર્ટી દ્વારા પણ ગુજરાતને ફ્રીમાં વીજળી આપવાનો વાયદો કરવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસ પણ જેમ આમ આદમી પાર્ટીએ પંજાબમાં ચૂંટણી પહેલા વાયદા કર્યા હતા તે પેટર્ન ગુજરાતમાં અનુસરી રહી હોય તેમ લાગી રહ્યું છે. મહત્વનું છે કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે જેને લઇને ગુજરાત કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી ગયુ છે. ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતવા માટે વચનોની લ્હાણી તો કરી દીધી પરંતુ આવનારા સમયમાં જોવાનું એ રહેશે કે ગુજરાતની જનતા કોની પર પસંદગીનો કળશ ઢોળશે.
જાણો કોંગ્રેસે શું વચન આપ્યા છે?
- પહેલી જ કેબિનેટમાં ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવુ માફ કરવું
- ખેડૂતોને 10 કલાક દિવસે વીજળી ફ્રી
- ખેતપેદાશો ઓછા ભાવે ખરીદવા પર પ્રતિબંધનો કાયદો
- ટેકાના ભાવ પર બોનસ અપાશે
- દૂધ ઉત્પાદકોને લિટરે 5 રૂપિયા બોનસ
- વર્તમાન જમીન માપણી રદ કરીને નવી કરાશે
- માલધારીઓને ખેડૂતનો દરજ્જો અપાશે
- શિક્ષિત બેરોજગારોને રોજગારી અપાશે
- તાલુકા દીઠ ખેડૂત સહાયતા કેન્દ્ર શરૂ કરાશે
- ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાશે
- શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજદરો રિવાઇઝ કરવામાં આવશે