જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં ભાજપના પ્રચાર માટેના વાહનમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડ્યાની ફરિયાદ

ભાજપના કાર્યકરોને પ્રચાર કરતાં રોકી ધાકધમકી આપવા અંગે સ્થાનિક ૧૧ શખ્સો સામે ગુનો નોંધાવાતાં ભારે ચકચાર*

જામનગર જિલ્લાના જામજોધપુરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પ્રચાર કરતાં રોકવામાં આવ્યા હોવાના કિસ્સો સામે આવ્યો છે. પ્રચાર પ્રસાર માટેના વાહનને અટકાવી તેમાં રહેલા પોસ્ટર વગેરેને ફાડી નાખી નુકસાનની પહોંચાડવા અંગે, તેમજ પ્રચાર કરતાં રોકી ધાક ધમકી આપવા અંગે ૧૧ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ ના પ્રચાર માટેનું વાહન પ્રચાર પ્રસાર માટે નીકળ્યું હતું, દરમિયાન સવારે ૯.૦૦ વાગ્યા ના અરસામાં ગામના પાદરમાં ૧૧ જેટલા શખ્સોએ વાહનને રોક્યું હતું, અને પ્રચાર કરતાં અટકાવી તેમાં હાજર રહેલા કાર્યકર્તાઓને ધાકધમકીઓ અપાઇ હતી, તેમજ તેમાં રહેલા બેનર-પોસ્ટર વગેરે પણ ફાડી નાખી નુકસાની પહોંચાડવામાં આવી હતી.

આખરે આ મામલો જામજોધપુર પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને જે બનાવને લઈને ભારે ચર્ચા જાગી છે.