Site icon Meraweb

‘છોટા કાશી’ જામનગર શ્રાવણીયા સોમવારે મહાદેવમય બન્યું! શિવાલયોમાં ભક્તોની ભીડ જામી

'Chota Kashi' Jamnagar Shravania became Mahadevaya on Monday! Crowd of devotees in Shivalayam

જામનગર શિવની નગરી એવી ‘છોટી કાશી’ના ઉપનામથી પ્રખ્યાત છે, ત્યારે દેવાધિદેવ મહાદેવનો અતિ પ્રિય એવો શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાન ભોળાનાથને રાજી કરવા માટે શહેરના અનેક નાના મોટા શિવાલયોમાં શિવભક્તોએ વહેલી સવારથી જ લાઈનો લગાવી છે, આ સાથે મંદિરોમાં રુદ્રાભિષેક- જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરી હર હર મહાદેવના નાદ સાથે ભોળાનાથને રિઝવવાનો પ્રયાસ ભક્તો દ્વારા કરવામાં આવ્યો હતો.

બે વર્ષના કોરોના કાળ પછી આ વખતે દર્શનાર્થીઓને સંપૂર્ણપણે મુક્તિ મળી હોવાના કારણે શિવભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, અને શ્રાવણ માસનો પ્રથમ સોમવાર પ્રત્યેક શિવાલયોમાં હકીકતે શિવમય બનેલો જોવા મળ્યો હતો. શહેરના મોટાભાગના શિવાલયોના દ્વારે ભીડ ન થાય, તેના ભાગરૂપે તેમજ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય, તે માટે જામનગરના પોલીસ તંત્ર દ્વારા પણ વ્યવસ્થા ગોઠવાઈ છે, અને પ્રત્યેક શિવાલયોના દ્વારે પોલીસના જવાનો તેમજ હોમગાર્ડના જવાનો, ટ્રાફિક શાખાની ટીમ વગેરેને તૈનાતમાં મૂકી દેવાયા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ પ્રત્યેક શિવાલયોના આસપાસના વિસ્તારમાં સફાઈ કાર્ય હાથ ધરી લેવાયું છે.

‘છોટી કાશી’ના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં આવેલા પુરાણ પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, ગૌરીશંકર મહાદેવ મંદિર સહિતના નાના-મોટા અનેક શિવાલયોને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ઝળહળતી રોશની અને ધજા પતાકાથી સજજ કરી દેવાય પછી આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે અનેક શિવભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. શહેરના મોટા ભાગના શિવાલયના દ્વારે વહેલી સવારથી જ શિવભક્તોની કતાર જોવા મળતી હતી, અને હાથમાં ફૂલ, બિલ્લીપત્ર, દૂધ સહિતની પૂજા સામગ્રી સાથે ભોળાનાથને નમન કરવા માટે જોડાયા હતા, અને હર હર ભોલેના નાદ સાથેનો ઘંટનાદ જોવા મળ્યો હતો. અને શિવભક્તોના ઘોડાપુર ઊંમટી પડ્યા હતા.