જામનગરના શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતી જૈન સંઘ દ્વારા ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તથા જૈન બાળકો માટે 18 દિવસના ઉપધાનતપનો વર્કશોપ આયોજીત કરવામાં આવ્યો છે. જેની વિગતો આપવા માટે ગઇકાલે બુધવારે બપોરે સંઘ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરના ચાંદીબજાર વિસ્તારમાં મુખ્ય પોસ્ટ ઓફિસ સામે આવેલા જયોતિ વિનોદ ઉપાશ્રય ખાતે બુધવારે બપોરે યોજાયેલી પત્રકાર પરિષદમાં જૈન સંઘ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જૈનમુની શ્રી વિજય નેમીસુરીજીની 150મી જન્મ શતાબ્દી વર્ષ નિમીતે કેનવાસ કાર્ડશીટ કાપડ અથવા ટકાઉ મટીરીયલ પર 2 ફુટ બાય અઢી ફૂટની ફિકસ સાઇઝમાં મુનીશ્રીનું ચિત્ર બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં જૈન સમાજની કોઇપણ વ્યકિત ભાગ લઇ શકશે. વિજેતા સ્પર્ધકને પ્રથમ ઇનામ તરીકે 9000, દ્રિતીય ઇનામ તરીકે 7500, તૃતીય ઇનામ તરીકે 5000 રૂપિયા તથા પાંચ વિજેતાઓને 1500- 1500 રૂપિયા અને દશ વિજેતાઓને 1000 રૂપિયા વિજેતા દીઠ આપવામાં આવશે.

તથા દરેક સ્પર્ધકને આશ્ર્વાશન ઇનામ આપવામાં આવશે. બાદમાં આ ઉપાશ્રય ખાતે પ થી 13 નવેમ્બર દરમ્યાન આ ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવશે. તે માટે 30 સપ્ટેમ્બર સુધીમાં સ્પર્ધકે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

આ ઉપરાંત જૈન સભ્યના 10 થી 18 વર્ષના બાળકો માટે પ નવેમ્બરથી સંસ્કારલક્ષી 18 દિવસનું ઉપધાનતપ માટેનો વર્કશોપ યોજવામાં આવશે. જેમાં દરેક બાળકને વિશીષ્ટ સન્માન સાથે નવાજવામાં આવશે. આ ઉપરાંત 5 નવેમ્બરે સદગુરૂના પુસ્તકનું વિમોચન કરવામાં આવશે.

સમગ્ર આયોજન મુનીશ્રી કુલચંદ્રસુરીજીની પ્રેરણા અને માર્ગદર્શનથી સંઘના પ્રમુખ ભરતભાઇ, ઉપપ્રમુખ નવિનભાઇ તથા ચંદ્રેશભાઇ વગેરે દ્વારા ગોઠવવામાં આવ્યું છે. આ અંગેની વધુ વિગતો માટે ભરતભાઇનો મોબાઇલ નં. 93281 19311 મારફત સંપર્ક સાધી મેળવી શકાશે.





















