Site icon Meraweb

વન નેશન વન ઈલેક્શનને કેબિનેટની લીલીઝંડી,સંસદમાં રજૂ કરાશે બિલ

મોદી કેબિનેટ બેઠકમાં આજે (12મી ડિસેમ્બર) વન નેશન-વન ઈલેક્શનના બિલને મંજૂરી મળી ગઈ છે. અહેવાલો અનુસાર, હવે મોદી સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે. આગામી અઠવાડિયામાં શિયાળુ સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

રામનાથ કોવિંદની સમિતિએ સોંપ્યો હતો રિપોર્ટ 

અહેવાલો અનુસાર વન નેશન, વન ઈલેક્શન માટે સૌથી પહેલા જોઇન્ટ પાર્લામેન્ટ કમિટી (JPC) બનાવવામાં આવશે અને તમામ પક્ષોના સૂચનો લેવામાં આવશે. ત્યાર બાદ આ બિલ સંસદમાં રજૂ કરાશે અને તેને પસાર કરવામાં આવશે. આ પહેલા રામનાથ કોવિંદની સમિતિએ વન નેશન, વન ઈલેક્શન સંબંધિત પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો.

જેપીસી રાજકીય પક્ષો સાથે ચર્ચા કરશે

સૂત્રોના જણાવ્યાનુસાર, સરકાર આ બિલને લાંબી ચર્ચા અને સર્વસંમતિ સાધવા માટે સંયુક્ત સંસદીય સમિતિ(JPC)ને મોકલવાની યોજના બનાવી રહી છે. જેપીસી તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરશે અને આ પ્રસ્તાવ પર સામૂહિક સર્વસંમતિની જરૂરિયાત પર ભાર મૂકશે.

સરકાર કેમ લાવવા માગે છે આ બિલ? 

હાલમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમયે ચૂંટણી યોજાય છે. વન નેશન-વન ઈલેક્શન બિલ કાયદો બન્યા બાદ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, તમામ રાજ્ય વિધાનસભાના સ્પીકરને કહેવામાં આવશે કે તે બુદ્ધિજીવીઓ, નિષ્ણાતો અને નાગરિક સમાજના સભ્યો સાથે તેમના મંતવ્યો શેર કરે. આ ઉપરાંત સામાન્ય લોકો પાસેથી પણ સૂચનો માંગવામાં આવશે, જેનાથી નિર્ણય લેવાની પ્રક્રિયામાં સમાવેશીતા અને પારદર્શિતા વધશે. બિલના મુખ્ય પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે જેમાં તેના ફાયદા અને સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી કરાવવા માટે જરૂરી પદ્ધતિ સામેલ છે.