Site icon Meraweb

10 જાન્યુઆરી સુધીમાં ભાજપ જાહેર કરશે જિલ્લા અને શહેર પ્રમુખ

દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં સંગઠન ચૂંટણીને લઈને રવિવારે મોટી બેઠક યોજાઈ હતી. જે પ્રમાણે રાજ્યોમાં ઉત્તરાયણ સુધીમાં પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક કરવાની ચર્ચા થઈ હતી. ગુજરાતમાં પણ સીઆર પાટીલની ટર્મ પૂરી થઈ ગઈ હોવાથી અને તેઓ કેન્દ્રમાં જતાં ગુજરાત ભાજપમાં નવા અધ્યક્ષ અને નવા સંગઠનની નિમણૂંક થશે. જેમાં શહેર, તાલુકા, જિલ્લા અને પ્રદેશના સંગઠનમાં ઘરખમ ફેરફાર થશે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂંક પણ જાન્યુઆરીના અંત સુધીમાં પૂરું કરવાનું મિટિંગમાં નક્કી થયું છે.

ગુજરાતમાં પણ ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. આ પહેલા ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ સંગઠનથી લઈને વિવિધ જિલ્લાઓ, તાલુકાઓ અને શહેરોમાં પ્રમુખની નિમણૂકની પ્રક્રિયા શરુ કરી છે.

જિલ્લા, તાલુકા અને શહેર પ્રમુખની નિમણુકને લઈને ભાજપ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું કે, 3 જાન્યુઆરીથી શહેર અને જિલ્લા પ્રમુખની વરણીને લઈને કવાયત હાથ ધરાશે. 8 મહાનગર પાલિકા અને 33 જિલ્લાનાં પ્રમુખોની વરણી માટે નામો પર મંથન થશે. 10 જાન્યુઆરી સુધીમાં 50 ટકાથી વધુ શહેર જિલ્લા પ્રમુખોની જાહેરાત કરવામાં આવશે. જ્યાં સ્થાનિક વિવાદ નહિ હોય તેવા શહેર અને જિલ્લા માટે પ્રથમ જાહેરાત કરવામાં આવશે. 60 વર્ષની વય મર્યાદા, સંગઠનમાં હોદ્દો હશે તેને સ્થાન મળશે. 2 વખત સક્રિય સભ્ય હોવું જરૂરી હશે. જોકે કેટલાક કિસ્સામાં છૂટછાટ અપાઈ તેવી શક્યતાઓ છે. જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને જિલ્લા અને શહેર પ્રમુખોની પસંદગી થશે.