ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા આમ તો સમગ્ર રાજ્યમાં ગઈકાલથી શરૂ થઈ ગઈ છે પરંતુ જામનગરમાં સરકારનો તળિયા વગરનો ટેકો હવામાં હોય તેવું લાગે છે કારણ કે ખરીદી પ્રક્રિયા જામનગર , લાલપુર અને કાલાવડ મથક પર શરૂ થઈ નથી જેના કારણે ખેડૂતોને ટેકો મળ્યો નથી. ગુજકોમાસોલના સર્વરમાં કોઈ ટેકનીકલ ખામી હોવાના કારણે ગઈકાલથી ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી અને સતત બીજા દિવસે પણ જામનગર જિલ્લાના ત્રણ સેન્ટરો પર હજુ પણ ખરીદી પ્રક્રિયા બંધ છે.
જામનગર જિલ્લા ખેતીવાડી અધિકારી રિતેશ ગોહિલ સાથે Meraweb.in વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું કે સવારે જામનગર જિલ્લાના બધા સેન્ટરો પર ખરીદી પ્રક્રિયા ટેકનિકલ ક્ષતિઓના કારણે બંધ હતી. ધ્રોલ અને જોડિયામાં બિલિંગ પ્રોસેસમાં કાઇક ટેકનિકલ પ્રોબ્લેમ હોવાના કારણે પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી પરંતુ તે બંને સેન્ટરો પર હાલ ખરીદી પ્રક્રિયા ફરીથી કાર્યરત થઈ છે. અને જામનગર જિલ્લાના લાલપુર કાલાવડ અને જામનગર શહેરના હાપા માર્કેટિંગ યાર્ડ આ ત્રણેય સેન્ટરો પર ટેકનિકલ પ્રોબ્લેમ હોવાના કારણે ખરીદી પ્રક્રિયા હજુ શરૂ કરી શકાય નથી.
જોકે આ ક્ષતિ ગાંધીનગર લેવલથી મોનિટર કરવામાં આવી રહી છે અને ત્યાંથી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું છે. ખરીદી પ્રક્રિયા ફરી ક્યારથી કાર્યરત થશે તે અંગે હજુ કોઈ સૂચનાઓ જિલ્લા કક્ષાએ મળી નથી પરંતુ સર્વરમાં રહેલી ટેકનીકલ ક્ષતિઓ દૂર થયા બાદ વહેલામાં વહેલી તકે ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
એક તરફ ટેકનીકલ ક્ષતિ અને બીજી તરફ લાલપુર સેન્ટર પર બારદાન ન પહોંચ્યા હોવાની પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. તંત્રના ધનધાળા વગરના અણધાર્યા નિર્ણયના કારણે ખેડૂતો અત્યારે હાલ પરેશાન થઈ રહ્યા છે અને ખેડૂતોને રવિ પાકની સિઝન માટે પૈસાની જરૂર હોવાથી ટેકાના ભાવે મગફળી શરૂ ન થતા ઓપન બજારમાં પણ મગફળી વહેંચવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે.