ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહેલા સંગઠન પર્વને લઈને હોદા માટે હરોળ લાગી છે.જામનગર શહેરમાં વોર્ડ પ્રમુખોની નિમણુંક થયા બાદ હવે મુખ્ય સંગઠનમાં કોણ હશે તેને લઈને શહેર સહીત જિલ્લાભરમાં તેમજ પાર્ટીમાં આંતરિક ચર્ચાઓ શરૂ થઈ છે.તેમજ જામનગરથી લઈને ગાંધીનગર સુધી લોબિંગ શરૂ થયા છે.મને આપો મારે આ હોદો જ જોઈએ નહિતર હું રિસાઈ જઈશ સહિતની બાબતો હાલ પક્ષમાં અંદરખાને ચાલી રહી છે
સંગઠનના મુખ્ય હોદ્દાઓ કોને સોંપવા તેને લઈને પાર્ટી પણ અવઢવમાં છે અને કેમ ના હોય કેમકે આમ વાતો ગમે એવી સમરસતાની થાય અને જ્ઞાતિ આધારીત રાજકારણ ન થતું હોવાની થાય પરંતુ જ્ઞાતિ આધારીત સમીકરણોને ધ્યાનમાં લઈને જ હોદ્દાઓની વહેંચણી થતી હોય છે તે પણ એટલી જ હકીકત છે.
મોટાભાગની ચર્ચાઓ થઇ રહી છે કે મુખ્ય હોદાઓ પર તો જે તે હોદ્દેદાર છે તેને જ રીપીટ કરાશે , તો બીજી તરફ બીજી માછલીઓ હોદા માટે ગાંધીનગર સુધી લોબિંગ ચલાવી રહી છે.કારણકે ઘણા લોકો હોદા માટે ઘણા લાંબા સમયથી સંગઠન પર્વની રાહ જોતા હતા.પરંતુ સંગઠનના હોદ્દાની ફાળવણીમાં પણ જ્ઞાતિ આધારીત સમીકરણો શહેરથી લઈને જિલ્લાના રાજકારણે અસરકર્તા રહેશે તે નક્કી છે.માટે કઇ જ્ઞાતિને પ્રતિનિધિત્વ આપવું? કયા નેતાઓનું જોર વધુ ચાલશે અને કોનો માણસ હોદા પર આરૂઢ થશે તેને લઈને પણ અત્યારે હાલ હરીફાઈઓ ચાલી રહી છે .પરંતુ બધા જાણે છે તેમ ભાઈ આ તો ભાજપ છે…… ધાર્યું તો અંતે ઘણીનું જ થાય…. અને અણધાર્યું નામ આવે તો તેમાં પણ કોઈ એ નવાઈ પામવા જેવું ભાજપમાં હોતું નથી.
મકરસંક્રાંતિ નજીક આવી રહી છે ત્યારે ક્યાં નેતાના માંજામાં દમ છે અને કોનો પતંગ ચટ થશે તે તો જોવાનું જ રહ્યું !!! આમ તો સંગઠનના હોદાઓની ફાળવણી કરવી એ પાર્ટી માટે સામાન્ય રીતે કોઈ મોટો ટાસ્ક નથી હોતો પરંતુ નજીકમાં જ કોર્પોરેશનની ચૂંટણી પણ આવે છે એટલે બધી ગોઠવણી કરવી પણ જરૂરી છે.

જામનગર શહેરમાં તો રાજકીય ગલીયારાઓમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે કોર્પોરેશનની ચૂંટણીમાં જુના ૫૦% જેટલા નગરસેવકો નો-રીપીટ થાય તેવું રાજકીય પંડીતો અનુમાન લગાવી રહ્યા છે. માટે જો આટલા બધા કોર્પોરેટરોને રીપિટ નહી કરે તો તેનું કોઈ ડેમેજ ન થાય તે બાબતનું ધ્યાન અત્યારથી પાર્ટી રાખી રહી છે. ટીકીટ કાપવાના બે કારણો અત્યારે હાલ સામે આવી રહ્યા હોવાનું નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે એક તો એ વાસ્તવિકતા છે કે જ્ઞાતિના સમીકરણો જોઇને ટિકિટની વહેંચણી કરવામાં આવે એ હકીકત છે પરંતુ શહેરી વિસ્તારમાં જ્ઞાતિ આધારિત પ્રજા પ્રતિનિધિ નથી ચૂંટતા એ પણ એવડી જ હકીકત છે જેના ઉત્કૃષ્ઠ ઉદાહરણ ગત કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો છે જેમાં ઘણા વોર્ડમાં જ્ઞાતિ આધારીત ટીકીટની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ પરિણામો વિપરીત મળ્યા હતા. અને બીજું કામ આધારીત કોને કેવું કામ કર્યું છે જે તે નગરસેવક તેના વોર્ડમાં કોટલા એક્ટિવ છે ? તેના વિસ્તારમા કેટલા લોકો તેમને ઓળખે છે ? આ તમામ બાબતોનું ધ્યાન ટીકીટ વિતરણ સમયે તેમના પરફોર્મન્સ કાર્ડની જેમ ધ્યાનમાં લઈ શકાય છે.
માટે આવનાર સંગઠન પર્વમાં શું થાય છે કોને ભાજપનું શુકાન સોંપવામાં આવશે ? કોણ રીપીટ થશે અને કોનું MOYE MOYE થશે તેના પર સૌની નજર છે….પરંતુ હજુ એક વખત કહીશ કે જેને જેટલા હાથ પગ મારવા હોય એટલા ભલે મારી લે પરંતુ આખરે “ધાર્યું તો ધણીનું જ થાશે”….. આ ભાજપ છે ગમે ત્યારે અણધાર્યું નામ પણ બહાર આવી શકે છે જે કદાચ કોઈએ ક્યારેય વિચાર્યું પણ ન હોય ……