જામનગર / જિલ્લા પંચાયતની લાઈટ શાખામાંથી 1582 ફાઇલો અને 220 રજીસ્ટર ચોરી મામલે મોટા સમાચાર, જાણો શું કાર્યવાહી કરાઈ

જામનગરમાં ચકચારી ચોરી પ્રકરણના અંતે પોલીસ ફરીયાદ કરવામાં આવી છે. ફરીયાદમાં 1 હજાર 582 ફાઇલ અને 220 રજીસ્ટર ચોરીનો ઉલ્લેખ કરાયો છે, કર્મચારી તમામ ફાઇલ ટ્રેક્ટર અને ટ્રોલીમાં ભરી લઇ ફરાર થયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત ફાઇલ ચોરી પ્રકરણમાં એસઆઇટીની રચના કરી છે. સૌપ્રથમ ગુમ થયેલી ફાઇલની શોધખોળ, હરિસિંહની અટક કર્યા બાદ આ ઘટના કેવી રીતે સર્જાઇ તેમજ આ કાવતરામાં કોણ કોણ સામેલ છે તે અંગે એસઆઇટી તપાસણી કરશે. સાથે સાથે અન્ય કોઇ પણ સામેલ હોય તો તેના પુરાવા પણ મેળવશે. સીસીટીવી કેમેરાનો ઉપયોગ કેમ ન કરવામાં આવ્યો, અઢી માસ બાદ કેમ ફરીયાદ કરવામાં આવી સમગ્ર બાબતે કડક તપાસ કરવામાં આવશે. જો કે અઢી મહિના અગાઉ જિલ્લા પંચાયતની ઇલેક્ટ્રીક શાખાની કચેરીમાંથી રજીસ્ટર ફાઇલોની ચોરી થઇ હતી.

શું છે સમગ્ર મામલો?

જામનગર જિલ્લા પંચાયતની લાઈટ શાખામાંથી આશરે બે માસ આગાઉ મોટાપાયે રેકર્ડની ચોરી થયાનો મામલો બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારબાદ ઇલેક્ટ્રિશિયન સામે ગેરરીતિ અને ઘાલમેલના ધગધગતા આક્ષેપો લાગ્યા હતા. બાદમાં ફરિયાદમાં વિલંબ થતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા હતા. બાદમાં હવે તંત્ર દ્વારા વિધિવત રીતે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ફરિયાદમાં શું ઉલ્લેખ કરાયો?

આ મામલે સિટી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી વિગત અનુસર જામનગર જીલ્લા પંચાયતમાં લાઈટ શાખામાંથી ગત બે અઢી માસ પહેલા રાત્રીના સમયે ફાઇલ નંગ-૧૫૮૨ તથા અંદાજે કુલ રજીસ્ટર નંગ-૨૨૦ ફાઇલોની ચોરી થયાનો બનાવ સામે આવ્યો હતો. ટ્રેક્ટર-ટ્રોલી સાથે કચેરીમાં ઘુસેલા લાઈટ શાખાના ફરજ મોકૂફ કરાયેલા ઈલેક્ટ્રીશયન હરીસિંહ પ્રતાપસિંહ ગોહીલ અને અન્ય શખ્સોએ ઇલેક્ટ્રીક શાખાની ઓફીસમાં પોતાની પાસે રહેલી ચાવીથી ઓફીસ ખોલી તેમાં રહેલી ફાઈલો ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરી ચોરી કરી ગયો હતો.

જિલ્લા પંચાયતની લોબીમા ચકચાર

આ મામલો સામે આવતા જિલ્લા પંચાયતની લોબીમા ચકચાર જાગી હતી. આ અંગે લાંબા વિલંબ બાદ જીલ્લા પંચાયત નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ જયવીરસિહ પ્રવીણસિહ ચુડાસમા દ્વારા સીટી એ ડીવીજન પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને લઈને પોલીસે હરિસિંહ પ્રતાપસિંહ ગોહિલ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

એસઆઇટીની રચના કરવામાં આવી

આ સમગ્ર મામલે તપાસ માટે એક એસઆઇટીની રચના કરવામાં આવી છે. જેમાં ડીવાયએસપી 2 પોલીસ ઈન્સ્પેક્ટર અને એક પીએસઆઈ તેમજ અન્ય પોલીસ કર્મીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ તો ગુમ થયેલી ફાઈલો શોધશે અથવા તો તેનો નિકાલ થયો હોય તો પુરાવા મેળવશે. હરિસિંહની અટક કર્યા બાદ આ કૃત્ય કર્યું કેવી રીતે તેમજ તેમાં કોણ સંડોવાયેલું છે તેની તપાસણી કરાશે. અન્યની સંડોવણીના પુરાવા મેળવશે. સીસીટીવી કેમેરાનો ઉપયોગ જે તે સમયે કેમ કરવામાં ન આવ્યો અને તેમને જવા દેવામાં આવ્યા? ફરિયાદ અઢી માસ બાદ કેમ નોંધાઈ ત્યાં સુધી શું ચાલતું હતું? વગેરે મુદ્દાઓની ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવશે.