ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગઈકાલે ભાજપે સમગ્ર દેશમાં પહેલો પ્રયોગ ગુજરાતમાં કર્યો છે, એટલે કે સરકારના 2 મંત્રીઓના ખાતા છીનવી લીધા હતા. ત્યારબાદ આજે એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આજે 6 સિનિયર નેતાઓને સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપાઇ છે.
ભાજપે વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે ભાજપની કોર કમિટીની બેઠક મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટીની બેઠક મળવાની છે. જેમાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ હાજર રહેશે. આ સિવાય કોર ગ્રુપના સભ્યો પણ બેઠકમાં હાજર રહેશે. વિધાનસભાની ચૂંટણી ટાણે ફરી સિનિયર નેતાઓને કોર ગ્રુપમાં સ્થાન અપાયું છે. અહીં બેઠકમાં ચૂંટણી લક્ષી રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને આગળની રણનીતિ ઘડવામાં આવશે. આ બેઠકમાં સરકાર અને સંગઠનની કામગીરીની પણ સમીક્ષા થશે.
મહત્વનું છે કે, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાતની મુલાકાતે આવેલા છે. ત્યારે ગાંધીનગરમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સાથે મુલાકાત કરી હતી. કમલમ ખાતે પણ બી.એલ.સંતોષના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં કોર કમિટીના સભ્યો સાથે મંથન કરાયું હતું. સી.આર. પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, વિજય રૂપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણી, શંકર ચૌધરી, ગણપત વસાવા, રંજન ભટ્ટ, રત્નાકર, પ્રદીપસિંહ વાઘેલા, ભાર્ગવ ભટ્ટ, વિનોદ ચાવડા, રજની પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભરત બોઘરા, આર.સી. ફળદુ અને ભારતીબેન શિયાળ. કોર કમિટીમાં આ તમામ સિનિયર નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.